રીક્ષા ચાલકે અગાઉ 70 રૂપિયા બાકી રાખ્યા હોય હોટલ સંચાલક અને તેના સાથીદારોએ એક્ટિવા અને સ્વીફ્ટ કારમાં આવી કર્યો હુમલોહળવદ : હળવદ શહેરમા રહેતા યુવાને ચાની હોટલે 70 રૂપિયા ઉધાર રાખ્યા હોય એ બાકી નાણાંની ઉઘરાણી કરી ચાની હોટલના સંચાલક અને તેના સાથીદારોએ ઝઘડો કરી બાદમાં એક્ટિવા અને સ્વીફટકારમાં આવી રીક્ષા ચાલક અને તેના બે મિત્રો ઉપર હુમલો કરી જાતિ પ્રત્યે અપમાનિત કરતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરમાં બસસ્ટેન્ડ પાછળ રહેતા અને સેંટિંગ કામના વ્યવસાયની સાથે રાત્રિના રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતા નીતિન વિનોદભાઈ પરમાર નામના યુવાને હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તા.17ના રોજ ફરિયાદી નીતિન પોતાના મિત્ર જયેશ અને સુમિત સાથે સુરપુરાના દર્શન કરી માળીયા હાઇવે ઉપર ધનાળા ગામના પાટિયા નજીક આવેલ જય વડવાળા ટી સ્ટોલે ચા પીવા ગયા હતા ત્યારે ચાની હોટલના ગલ્લા ઉપર બેઠેલા વ્યક્તિએ તારે આગાઉના 70 રૂપિયા આપવાના છે કહી ઝઘડો કરતા નીતિન સાથે રહેલા મિત્રોએ રૂપિયા 70 માટે ઝઘડો ન કરો કહી પૈસા આપી ત્યાંથી નીકળી ગયા હતા.બાદમાં નીતિન અને તેના મિત્રો રીક્ષામાં માળીયા હાઇવે ઉપર હળવદ તરફ આવતા હતા ત્યારે પાછળથી એક્ટિવામા આવેલા ચાની હોટલના સંચાલક અને અજાણ્યા બે ઈસમોએ રીક્ષા ઉભી રખાવી કેમ ઝઘડો કરતા હતા તેમ કહી જાતિ પ્રત્યે અપમાનિત કરી ઝઘડો શરૂ કર્યો હતો અને બાદમાં સ્વીફ્ટ કારમાં આવેલા ચાર બીજા અજાણ્યા શખ્સો પણ આવી પહોંચ્યા હતા અને ત્રણેય યુવાનોને લાકડી, પાઇપ, અને ઢીકા પાટુનો માર મારી હાથમાં પહેરેલ કડા વડે માર મારી ઇજાઓ પહોંચાડતા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવતા પોલીસે એટ્રોસીટી એકટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.