મોરબી : રક્ષાબંધનના પર્વની ઉજવણીના ભાગરૂપે મોરબીની જે. એ. પટેલ મહિલા સાયન્સ કોલેજની વિધાર્થિનીઓએ સ્વ હસ્તે રાખડી બનાવી મોરબીના મહિલા પોલીસ કર્મીઓને બાંધીને રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો હતો.ગઈકાલે તારીખ 17 ઓગસ્ટના રોજ કોલેજની વિધાર્થિનીઓ વચ્ચે રાખી મેકિંગ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વિધાર્થિનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સરસ વૈવિધ્યપૂર્ણ રાખડીઓ બનાવી હતી. આ ઉજવણીમાં મોરબીમાં દીકરીઓની રક્ષા માટે હંમેશા તત્પર રહેતા મહિલા પોલીસ કર્મીઓ પણ જોડાયા હતા. વિજેતા વિધાર્થિનીઓએ બનાવેલી રાખડીઓ મોરબી મહિલા પોલીસ સ્ટેશનના PI લખધીરખા મેડમ, UHC સજ્જનબેન, UPC જ્યોત્સનાબેન, WALRD ભારતીબેન તથા પૂનમબેનના કાંડે બાંધી હતી. રાખડી સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે શિતલ ચાવડા, બીજા ક્રમાંકે અસ્મિતા રાસમીયા અને અલ્પા કંઝારીયા, ત્રીજા ક્રમાંકે તૃષા રાસમીયા, બંસી બરાસરા અને હેતલ પરમાર વિજેતા જાહેર થયા હતા. આ તકે PI લખધીરખા મેડમે પ્રેરણાદાયક પ્રવચન આપી સૌનો ઉત્સાહ વધાર્યો હતો.