સવા રૂપિયાથી લઈ 500 રૂપિયા સુધીની વૈવિધ્યસભર રાખડીઓનો ખજાનો ઉપલબ્ધમોરબી : મોરબીમાં ભાઈ બહેનના પવિત્ર સ્નેહને ઉજાગર કરતા રક્ષાબંધન પર્વને લઈને ભારે ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. દરેક બહેનો પોતાના ભાઈને રક્ષાકવચ એટલે સુશોભિત અને કલાત્મક રાખડીઓ બાંધવા માટે રાખડી ખરીદવા બજારોમાં આવતી હોય છે ત્યારે આ વર્ષે મોરબીમાં સવા રૂપિયાથી લઈ ચાંદીના વરખ અને એડી ડાયમંડ વાળી 500 રૂપિયા સુધીની રાખડીઓ બજારમાં મળે છે, આ વખતે રાખડીઓની 2500થી વધુ વેરાયટીઓનો ખજાનો બજારમાં છે ત્યારે મોરબીમાં રાખડીનું એક કરોડનું માર્કેટ હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.રક્ષાબંધન પર્વ આડે હવે એક જ દિવસ બાકી છે ત્યારે મોરબીમાં મોટેરાંઓમાં ભાઈ-ભાભી, શિવ પાર્વતી, શિવ ડમરુ, શિવલિંગ, રાધા કૃષ્ણ, જયશ્રી કૃષ્ણ, વીરા, રુદ્રાક્ષ, એડી ડાયમંડ, ડુપ્લીકેટ ચાંદી સહિતની રાખડીની સૌથી વધુ ડિમાન્ડ છે. જયારે બાળકોમાં યુનિકોર્ન, ડોરીમોન, લાઈટ, સ્પીનર, સ્પંચની રાખડી, છોટા ભીમ, સ્પાઇડર મેન સહિતની 50થી વધુ વેરાયટીઓનો ખજાનો માત્ર બાળકો માટે જ છે. આ અંગે રાખડીના વેપારી દીપકભાઈ પોપટએ જણાવ્યું હતું કે, હવે રક્ષાબંધન નજીક હોવાથી મોટી સંખ્યામાં બહેનો રાખડીની ખરીદી માટે હમણાંથી આવતી હોય ત્રણ-ચાર દિવસથી રાખડીનું માર્કેટ થોડું તેજીમાં કહી શકાય એમ છે.મોરબીમાં દર વર્ષે રાખડીનું અંદાજે એક કરોડનું માર્કેટ છે. હાલ છૂટક ફેરિયાથી માડીને મોટી દુકાનોમાં બહેનો પોતાના વીરા માટે અવનવી રાખડી ખરીદી રહી છે. આ ઉપરાંત સોના ચાંદીની રાખડીઓની પણ બજારમાં ભારે ડિમાન્ડ જોવા મળે છે. જેમાં 400 રૂપિયાથી માંડી ને 4000 સુધીની રાખડી 100 થી વધુ વેરાયટીમાં ઉપલબ્ધ છે. મોરબીમાં અંદાજિત 3000 થી વધુ રાખડીઓ ચાંદીની વેચાતી હશે જેનું 10 લાખ રૂપિયા જેટલું માર્કેટ હોવાનું વેપારી વર્તુળો જણાવી રહ્યા છે.