હળવદ : હળવદ તાલુકાના જુના માલણીયાદ ગ્રામ પંચાયતના ઉપસરપંચને બેથી વધુ બાળકો હોવાની ગામના જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરી હતી. જેથી તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસ બાદ યોજાયેલી સુનાવણીમાં તથ્યો જણાતા મહિલા ઉપસરપંચને સભ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.હળવદ તાલુકાના જુના માલણીયાદ ગામની આઠ સભ્યો ધરાવતી ગ્રામ પંચાયતના ઉપસરપંચ દીનુબેન વનરાજભાઈ દેગામા બેથી વધુ બાળકો ધરાવતા હોય ગુજરાત પંચાયત અધિનિયમનો ભંગ કર્યો હોવાની તપાસ માટેની રજૂઆત ગામના જાગૃત લોકો દ્વારા કરાઈ હતી. તપાસ દરમિયાન હકીકતોમાં તથ્ય જણાતા કાયદેસર કાર્યવાહી કરી મહિલા સદસ્યને હળવદ તાલુકા વિકાસ અધિકારીએ નોટિસ આપી આ અંગે ખુલાસા તેમજ પુરાવાના આધારે સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. રજૂ કરાયેલા પુરાવા તેમજ જવાબનો સંતોષકારક જવાબ નહીં મળતા આખરી તપાસ બાદ મહિલા સદસ્યને સભ્ય થવા માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.