વિદેશમાં બેઠા મફતમાં પગાર લેવાની ઘટના બાદ મોરબીમાં પણ શિક્ષણ વિભાગ દોડતો : 20મી સપ્ટેમ્બરે આખરી સુનાવણીમોરબી : ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં સરકારી શાળામાં ફરજ બજાવ્યા વગર જ ઘેર બેઠા પગાર ખાતા શિક્ષકોના કિસ્સા સામે આવ્યા છે અને અનેક કિસ્સામાં ડમી શિક્ષકો સરકારી શાળામાં ફરજ બજાવી રહ્યા હોવાનું ભોપાળું સામે આવ્યું છે ત્યારે મોરબી જિલ્લામાં પણ ત્રણ શિક્ષિકાઓ છુમંતર થઇ ગઈ હોવાનું અને બેથી લઈ ત્રણ કે ચાર કારણદર્શક નોટિસો ફટકારવા છતાં આવી શિક્ષિકાઓ ફરજ ઉપર હાજર ન થતા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા આખરી નોટિસ ફટકારી આગામી 20મી સપ્ટેમ્બરના રોજ સુનાવણી રાખી હોવાનું જાણવા મળે છે.એક તરફ બેરોજગાર ઉમેદવારો શિક્ષક તરીકે ભરતી થવા માટે ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યા છે ત્યારે બીજી તરફ રાજ્યમાં એવા પણ અનેક શિક્ષકો છે જે સરકારી નોકરી મળી ગયા બાદ નોકરી કરવાને બદલે વિદેશમાં જલસા કરી રહ્યા છે તો ક્યાંય શિક્ષકને બદલે તેનો ડમી માણસ બાળકોને ભણાવવાના નામે દેશના ભાવિ સાથે ચેડાં કરી રહ્યો છે, રાજ્યના શિક્ષણ વિભાગે બાળકોને ભણાવવાને બદલે ફરજ ઉપર હાજર ન રહેતા શિક્ષકોની તપાસ શરૂ કરતા મોરબીમાં આવા ત્રણ કિસ્સા સામે આવ્યા છે.મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગની કચેરીના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં હળવદ પે સેન્ટર શાળા-4માં ફરજ બજાવતા વ્યાસ ચાર્મી વિજયભાઈ 11 માર્ચથી સતત ગેરહાજર રહે છે તેઓને પાંચ-પાંચ કારણદર્શક નોટિસો ફટકારવામાં આવી છે. એ જ રીતે વાંકાનેર તાલુકાની ભેરડા પ્રાથમિક શાળાના શિક્ષિકા વાઘેલા ઉર્વશીબેન પીતાંબરભાઈ પણ અનધિકૃત રીતે ગેરહાજર રહેતા પાંચ વખત કારણ દર્શક નોટિસ આપવામાં આવી છે. આ ઉપરાંત માળીયા મિયાણા તાલુકાના ન્યુ નવલખી પ્રાથમિક શાળાના શિક્ષિકા રામ રામીબેન સામતભાઇ ફેબ્રુઆરી-2024થી સતત અનધિકૃત રીતે ગેરહાજર રહેતા છ-છ કારણદર્શક નોટિસ ફટકારવા છતાં ફરજ ઉપર હાજર ન થતા ત્રણેય શિક્ષિકાઓને આખરી નોટિસ આપી 20મી સપ્ટેમ્બરે રૂબરૂ સુનાવણી યોજી હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.