સૌરઉર્જા થકી 37 મેગાવોટ વીજળીનું ઉત્પાદન : સૌરાષ્ટ્રના 12 જિલ્લામાં થાય છે 750 મેગાવોટ વીજ ઉત્પાદનમોરબી : દિવસેને દિવસે વીજદરમાં થઇ રહેલા ભાવવધારાથી બચવા લોકો સરકારની સોલાર રુફટોફ યોજનાનો જબરો ફાયદો મેળવી રહી છે ત્યારે સૌરાષ્ટ્રના 12 જિલ્લામાં અત્યાર સુધીમાં સરકારની જુદી-જુદી સબસીડી યોજનાને કારણે 2 લાખથી વધુ સોલાર રુફટોફ લાગી ચુક્યા છે અને એકલા સૌરાષ્ટ્રમાં જ 750 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થઇ રહ્યું છે જેમાં રાજકોટનો સિંહ ફાળો છે, રાજકોટ જિલ્લામાં હાલમાં 74હજારથી વધુ ઘરોમાં સોલાર રુફટોફ થકી 278 મેગાવોટ વીજળી ઉત્પન્ન થઇ રહી છે. જ્યારે મોરબીમાં 9985 ઘરોમાં સોલાર પાવર જનરેટ થઈ રહ્યો છે.વીજળી ક્ષેત્ર દેશને આત્મનિર્ભર બનવવા માટે કેન્દ્ર સરકાર 2014થી ‘નેશનલ રૂફટોપ સ્કીમ’ ચલાવી રહી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય બજેટ અંતર્ગત ‘પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના’ની પણ ઘોષણા કરી દેશના 1 કરોડ ઘરોમાં રૂફટોપ સોલર સિસ્ટમ લગાવવાનું જાહેર કરી આકર્ષક સબસીડી તેમજ લોન સહિતના વિકલ્પો અપાતા મોરબી સહીત સૌરાષ્ટ્રમાં સોલાર રુફટોફ યોજનાને જબરદસ્ત પ્રતિસાદ સાંપડ્યો છે, સરકારની આકર્ષક યોજનાને કારણે હાલમાં સૌરાષ્ટ્રના 12 જિલ્લામાં 2,07,897 ઘરોમાં સોલાર રુફટોફ લાગ્યા છે અને જેના થકી 750 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થઇ રહ્યું છે.સોલાર રુફટોફ યોજના અન્વયે સૌરાષ્ટ્રમાં જિલ્લા વાઈઝ આંકડાકીય સ્થિતિ જોવામાં આવે તો અમરેલી જિલ્લામાં 13,439 સોલાર સિસ્ટમ લોકોના ઘર ઉપર લાગેલ છે અને 42 મેગા વોટ વીજળીનું ઉત્પાદન થાય છે, ભાવનગરમાં 26,176 ઘરોમાં 91 મેગાવોટ, બોટાદ જિલ્લામાં 7052 ઘરોમાં 24 મેગાવોટ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 2010 ઘરોમાં 7 મેગાવોટ, ગીરસોમનાથ જિલ્લામાં 5685 ઘરોમાં 19 મેગાવોટ, જામનગર જિલ્લામાં 16,814 ઘરોમાં 61 મેગાવોટ, જૂનાગઢ જિલ્લામાં 17,525 ઘરોમાં 59 મેગાવોટ, કચ્છ જિલ્લામાં 18,754 ઘરોમાં 76 મેગાવોટ, મોરબી જિલ્લામાં 9985 ઘરોમાં 37 મેગાવોટ, પોરબંદર જિલ્લામાં 5491 ઘરોમાં 20 મેગાવોટ, રાજકોટ જિલ્લામાં 74,831 ઘરોમાં 278 મેગાવોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં 10,135 ઘરોમાં સોલાર રુફટોફ થકી 36 મેગાવોટ મળી સૌરાષ્ટ્રમાં કુલ મળી 2,07,897 ઘરોમાં 750 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થઇ રહ્યું છે.ઉલ્લેખનીય છે, સમગ્ર દેશમાં સોલાર રુફટોફ ક્ષેત્રે ગુજરાતનો ડંકો વાગી રહ્યો છે અને કુલ સોલાર રુફટોફ પૈકી એકલા ગુજરાતમાં જ 64 ટકા રુફટોફ આવેલા છે, ગુજરાત સરકાર દ્વારા સોલાર રુફટોફ યોજના અંતર્ગત પ્રતિકિલો વોટ 30 હજાર લેખે બે કિલોવોટનાં 60 હજાર તેમજ બે કિલોવોટથી વધુ ક્ષમતા માટે પ્રતિકિલો વોટ દીઠ 18,000 મળી 3 કિલોવોટ સુધીના સોલાર રુફટોફ માટે કુલ 78,000 રૂપિયા જેટલી સબસિડીની સાથે આકર્ષક દરે લોન પણ ઉપલબ્ધ હોય લોકોમાં સોલાર રુફટોફ યોજના પ્રત્યે આકર્ષણ વધ્યું છે.