6 મહિના પહેલા શરૂ થયેલું કામ ક્યારે પૂરું થશે ? રહીશોના મનમાં ઉદભવતો સવાલજ્યાં-ત્યાં રેતી-કપચીના ઢગલાંથી રહીશોને મુશ્કેલીમોરબી : મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલી પાવન પાર્ક સોસાયટીમાં છેલ્લા છ મહિનાથી રોડનું કામ ચાલી રહ્યું છે જેના કારણે રહીશોને અનેક મુશ્કેલીઓ પડી રહી છે. માર્ચ મહિનામાં શરૂ થયેલું રોડનું કામ આજે પણ પૂરું થયું નથી. રોડનું કામ ચાલતું હોય ચારેબાજુ રેતી-કપચીના ઢગલાં ખડકી દેવામાં આવ્યા છે જેના કારણે લોકોને ચાલવામાં મુશ્કેલી પડી રહી છે. અને પાણી ભરાય રહેવાની સમસ્યા ઉભી થઈ રહી છે.આ વોર્ડના પૂર્વ સદસ્ય અરૂણાબા જાડેજાએ જણાવ્યું હતું કે, મેં આ વિસ્તારમાં હાઉસિંગ સર્કલથી ઋષિકેશ અને ઋષિકેશથી મયુર સોસાયટી અને મયુર સોસાયટીથી ચક્કર રોડ સહિતના 10-15 સોસાયટીના અંદરના રોડ પાસ કરાવ્યા હતા. આ સોસાયટીનો રોડનું પણ 2018માં ટીએસ પાસ કરાવ્યું હતું. પરંતુ રાજકીય રમત અને અનેકાઅનેક કારણોસર આ રોડનું કામ અટકાવી દેવામાં આવ્યું છે. જ્યારે આ વર્ષે 2024માં લોકસભાની ચૂંટણી આવી ત્યારે ફરીથી આ રોડનું રી-ટેન્ડર કરી રોડ પાસ કરાવ્યો હતો. જેથી ગત માર્ચ મહિનામાં આ રોડનું કામ ચાલુ થયું છે જે હજુ સુધી પૂરું થયું નથી. લાગે છે કે સંસદની ચૂંટણીમાં રોડનું કામ ચાલુ થયું હતું તે વિધાનસભાની ચૂંટણીમાં પૂરું થશે. આ સ્થિતિના કારણે રહેવાસીઓને હાલાકી ભોગવવી પડી રહી છે. મેઈન રોડ પર રેતી-કપચીના ઢગલાં પડ્યા હોવાથી નાના-મોટા અકસ્માતો થઈ રહ્યા છે. ચોમાસું હોવાથી આ રેતી-કપચી ગટરના ઢાંકણા ખુલ્લા હોવાથી ગટરમાં જાય છે. જેથી આવનારા દિવસોમાં ગટરની સમસ્યા પણ ઉભી થશે તેવું લાગી રહ્યું છે. મોરબીનું તંત્ર સાવ ખાડે ગયું છે જેના કારણે આમ જનતાને ખૂબ જ તકલીફ પડી રહી છે. રજૂઆતો કોઈ સાંભળતું નથી. તેથી સરકાર આ અંગે ધ્યાન આપી નિવારણ લાવે તે જરૂરી છે.સોસાયટીના રહીશ અંજનાબેન પરમારે જણાવ્યું કે, રોડનું કામ લાંબા સમયથી ચાલી રહ્યું હોવાથી રેતી-કપચીના ચારેબાજુ ઢગલા પડ્યા છે જેના કારણે લોકોને ચાલવામાં ખૂબ જ મુશ્કેલી થઈ રહી છે.આ અંગે મોરબી નગરપાલિકાના ઈન્ચાર્જ ચીફ ઓફિસર ડોબરિયાએ જણાવ્યું હતું કે, લોકસભા ચૂંટણીની આચારસંહિતા પહેલા આ રોડનું ખાતમુહૂર્ત થયું હતું અને આચારસંહિતા પૂરી થયા બાદ રોડનું કામ શરૂ થયું હતું. જો કે ક્વોલિટીમાં કોઈ બાંધછોડ ન થાય તે માટે વચ્ચે મેટલિંગ લેવલ ઓછું આવતું હોવાથી કોન્ટ્રાક્ટરને ટકોર કરીને ફરીથી ખોદકામ કરાવીને કામ કરવા જણાવ્યું હતું. હાલ 40 થી 50 ટકા જેટલું કામ પૂરું થઈ ગયું છે. હાલ ચોમાસું હોવાથી સ્વાભાવિક રીતે કામગીરી ધીમે થઈ રહી છે. જો કે આ રોડનું કામ કેટલા સમયમાં પૂર્ણ થશે તે ચીફ ઓફિસરે જણાવ્યું ન હતું.