વન વિભાગ ઘટના સ્થળે દોડી ગયું : લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈહળવદ : હળવદ તાલુકાના દિઘડિયા ગામ નજીક ચિત્રોડી રોડ પર ગતરાત્રિના ઝરખ દેખાયું હોવાનો વિડિયો સામે આવ્યો હતો.જેને લઇ વન વિભાગનો સ્ટાફ દોડી ગયો હતો અને તપાસ કરાતા ઝરખ જ હોવાનું સામે આવ્યું હતું.જેથી લોકોએ ગભરાવાની નહીં પરંતુ સાવચેત રહેવા અપીલ કરાઈ હતી.ઝરખ આમતો મુડદાલ માંસ ખાનાર પ્રાણી છે,પરંતુ ક્યારેક નાનાં પ્રાણીઓ, ફળ અને જીવડાઓ પણ ખાય છે.તેની મોટી જાતો ક્યારેક જંગલી સુવર જેવા મોટા પ્રાણીનો પણ શિકાર કરે છે. ઝરખ રખડુ પ્રકૃતિનાં હોય છે,જે પાણીનાં ઝરાઓ આસપાસ ઘુમે છે.જો કે એકી સાથે ૧૦ કિમીથી વધુ ભટકતા નથી.ઝરખ એકલાપંડે શિકાર કરે છે પરંતુ નાનાં પારિવારીક જુથોમાં રહે છે.ગતરાત્રીના સમયે એક ઝરખ તાલુકાના દીઘડીયા ગામ પાસે ચિત્રોડી રોડ પર આવી ચડ્યું હતું અને કેમેરામા કેદ પણ થયું છે.વિચિત્ર દેખાવ અને કુતરા કરતાં મોટું કદ ધરાવતા ઝરખના શરીર પર કાળી આડી પટ્ટીઓ,કાળું મોઢું,આગળનાં પગ ઉંચા અને પાછળનાં પગ ટુંકા જેથી પુંઠેથી બેસેલું જણાય છે.ગર્દન પર વાળ અને કાન મોટા,લાંબા,અણીદાર તથા હંમેશા ઉભા હોય છે,હાલમાં દિઘડિયા નજીક ઝરખના આંટાફેરા જોવા મળતા હળવદ વનવિભાગે ઝરખને વન વિસ્તારમા ખસેડવા પગેરું દબાવવાનું શરૂ કર્યું છે.