ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય આપવામાં આવી રહી છે. આ સહાય માટે વિદ્યાર્થીઓએ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવું પડતું હોય છે. ત્યારે આ ડિજિટલ ગુજરાત પોર્ટલમાં નીતનવા અખતરા અને વિવિધ પ્રકારના ડોક્યુમેન્ટ માંગવામાં આવતા હોય અનેક વાલીઓ અને વિદ્યાર્થીઓ આ રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી શકે તેમ નથી ત્યારે આવા વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિથી વંચિત રહેશે તેવી ભીતિ ઉભી થઈ છે.દર વર્ષે ધો.1 થી 8 ના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય આપવામાં આવે છે. જેની ઓનલાઈન દરખાસ્ત કરવામાં આવે છે અને ઓનલાઈન ધો.1 થી 5 વિદ્યાર્થીઓના ખાતામાં 1600/- રૂપિયા અને ધો.6 થી 8 ના વિદ્યાર્થીઓના ખાતામાં રૂપિયા 1950/- જમા થાય છે. ડિજિટલ ગુજરાતની સાઈટ પર શાળાના આચાર્યો દ્વારા ઓનલાઈન દરખાસ્ત કરવામાં આવે છે. આ સાઈટમાં દર વર્ષે નવા નવા સુધારા કરી દરખાસ્ત કરવાની પ્રક્રિયા જટિલ કરવામાં આવે છે. જેમાં રેશનકાર્ડમાં બાળકના વ્યક્તિગત નંબર, આધાર કાર્ડ, બેંક એકાઉન્ટ વગેરે વિદ્યાર્થીઓ પાસેથી માંગવામાં આવે છે. ત્યારે ઘણા વિદ્યાર્થીઓના નામ રેશનકાર્ડમાં ઉમેરેલા નથી હોતા. તો ઘણાના આધારકાર્ડ અપડેટ થયેલા નથી હોતા. સાથે જ ઘણી બેંકો વિદ્યાર્થીઓના એકાઉન્ટ ખોલી નથી આપતી જેથી મોરબી સહિત ગુજરાત ભરના હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓની માગ છે કે, અરજી કરવા માટે રેશનકાર્ડ, આધારકાર્ડ જેવી વિગતો ફરજિયાત ન હોવી જોઈએ.