મોરબી : મોરબી શહેરમાં સૌથી વધુ પ્રશ્ન ભુગર્ભ ગટર ઉભરાવાનો ઉભો થઈ રહ્યો છે. વિવિધ વિસ્તારોમાં ભુગર્ભ ગટરમાં કચરો ભરાઈ રહેવાથી ગટર છલકાવાની સમસ્યા જોવા મળી રહી છે. જેના કારણે છેલ્લા ઘણા દિવસથી લોકો તરફથી મોરબી નગરપાલિકાને ફરિયાદો મળી રહી હતી. ત્યારે ભુગર્ભ ગટરનો આ પ્રશ્ન હલ કરવા માટે મોરબી નગરપાલિકા દ્વારા ચાર નવી બકેટ રિક્ષા શરૂ કરવામાં આવી છે. આ ચાર નવી બકેટ રિક્ષાને આજે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ લીલીઝંડી આપી હતી. આ બકેટ રિક્ષા દ્વારા મોરબી શહેરમાં જ્યાંથી ગટર ઉભરાવાની ફરિયાદો મળશે ત્યાં જઈને ભુગર્ભ ગટર સાફ કરવાની કામગીરી કરશે.આ તકે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી સાધનો મંગાવવાની પ્રક્રિયા ચાલી રહી હતી. મોરબીમાં ઘણી જગ્યાએ ભુગર્ભ ગટર ચોકઅપ થઈ જવાના પ્રશ્નો સામે આવતા હતા. જેથી ત્રણ વોર્ડ દીઠ ટીમ બનાવીને કામગીરી કરવામાં આવી રહી છે. નવા વાહનો આવી જતાં હવે ભુગર્ભ ગટરનો પ્રશ્ન હલ થઈ જશે. રાજ્ય સરકાર પાસેથી ફંડ લાવીને નગરપાલિકા વિસ્તારમાં સારું કામ થાય તેની પણ જવાબદારી લઈ રહ્યા છીએ. કોન્ટ્રાક્ટરો સાથે મીટીંગ કરીને તેમની મુશ્કેલીઓ પણ જાણી છે. સાથે જ કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, હું કોઈપણ ખોટું કામ કરતો નથી અને કોન્ટ્રાક્ટરોને પણ કહું છું કે, કોઈને એકપણ રૂપિયા દીધા વિના સારા કામ કરજો, નબળા કામ કરશો તો અમે કામ અટકાવીશું અને અધિકારીઓને પણ સૂચના છે કે ક્વોલિટીનું કામ લે.