નામચીન બુટલેગર ધનરાજસિંહ ઉર્ફે ધનરાજે સપ્લાય કરેલી વિદેશી દારૂની 296 બોટલ કબ્જે કરી મોરબી : મોરબી શહેરમાં તહેવારોમાં વિદેશી દારૂની રેલમછેલ કરવા નામચીન બુટલેગર ધનરાજ ઉર્ફે ધનરાજસિંહ નામના શખ્સે મોટાપાયે શહેરમાં દારૂની સપ્લાય કરી હોવાની બાતમીને આધારે પોલીસે સામુહિક કાર્યવાહી કરી અલગ અલગ ચાર દરોડામાં વિદેશી દારૂની 296 બોટલ કબ્જે કરી સાત બુટલેગરોને ઝડપી લઈ દારૂ સપ્લાય કરનાર ધનરાજ નામના બુટલેગરના મનસૂબા ઉપર પાણી ફેરવી દીધુ હતું. ચારેય દરોડામાં દારૂ સપ્લાય કરવા અંગે બુલેગરોએ ધનરાજનું નામ કબુલ્યું હતું. જો કે, બુટલેગર ધનરાજ પોલીસની ગિરફ્તમાં આવ્યો નથી.પ્રથમ દરોડામાં મોરબી સીટી એ ડિવીઝન પોલીસે વાવડી રોડ ઉપર આવેલ લોમજીવન સોસાયટીમાં રહેણાંકમાં દરોડો પાડી આરોપી સાહીલભાઈ ઉર્ફે ચિનો મહમદભાઈ લઘાણી અને આરોપી આશીફભાઈ અનવરભાઈ મીનીવાડીયાને વિદેશી દારૂની 70 બોટલ કિંમત રૂપિયા 26,250 સાથે ઝડપી લઈ વિદેશી દારૂ સપ્લાય કરનાર આરોપી ધનરાજસિંહ ઉર્ફે ધનરાજ શાંતુભા મકવાણા રહે.વાવડી રોડ શ્રીજી પાર્ક મોરબી મુળ રહે.પંચાસર રોડ ફેમશ સ્ટોનની સામેની શેરી મોરબી વાળો હાજર નહીં મળી આવતા ત્રણેય વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.જયારે બીજા દરોડામાં પણ બુટલેગર ધનરાજસિંહ ઉર્ફે ધનરાજ શાંતુભા મકવાણા પાસેથી વિદેશી દારૂનો જથ્થો મેળવી આરોપી અમરતભાઇ વિઠલભાઇ પાટડીયા, રહે.મોરબી રેલ્વે કોલોનીની બાજુમા મફતીયાપરામા અને આરોપી કિશનભાઇ પ્રભાતભાઇ આહીર રહે.મોરબી કુબેરનગર વાળાને નવલખી ફાટક પાસે બાવળની કાટમા વિદેશી દારૂનો જથ્થો છુપાવી વેચાણ કરતા ઝડપી લઈ 40,500ની કિંમતની 108 બોટલ વિદેશી દારૂ કબ્જે કરી આરોપી ધનરાજસિંહ ઉર્ફે ધનરાજને ફરાર દર્શાવી બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ સીટી એ ડીવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી.ત્રીજા દરોડામાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વીસીપરા બીલાલી મસ્જીદ પાછળ રહેણાંક મકાનમાં દરોડો પાડી આરોપી મોસીનભાઇ અબ્દુલભાઇ સુમરા, રહે- વીસીપરા બીલાલી મસ્જીદ પાછળ મોરબીવાળાને ઝડપી લઈ વિદેશી દારૂની 750 મીલીની 72 બોટલ કિંમત રૂપિયા 23,900 તેમજ 180 મીલીની 44 બોટલ કિંમત રૂપિયા 2200 મળી 26,100નો મુદામાલ કબ્જે કર્યો હતો. આ બુટલેગરે પણ આરોપી ધનરાજસિંહ ઉર્ફે ધનરાજ શાંતુભા મકવાણા રહે-વાવડી રોડ મોરબી વાળા પાસેથી દારૂ ખરીદ્યો હોવાનું ખુલતા બન્ને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.આ ઉપરાંત દારૂના ચોથા દરોડામાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ભરતનગર મફતીયાપરામા દરોડો પાડી આરોપી મેહુલભાઇ ત્રિભોવનભાઇ સનુરા, રહે- ભરતનગર મફતીયાપરા અને નરેંદ્રભાઇ નટૂભાઇ સનુરા, રહે- ત્રાજપરખારી ઓરીએંટલ બેંક વાળી શેરી મોરબી નામના શખ્સને વિદેશી દારૂની 74 બોટલ કિંમત રૂપિયા 25,880 કબ્જે કરી હતી. આ બન્ને આરોપીઓએ પણ વિદેશી દારૂનો જથ્થો આરોપી ધનરાજસિંહ ઉર્ફે ધનરાજ શાંતુભા મકવાણા રહે-વાવડી રોડ મોરબી વાળા પાસેથી ખરીદ્યો હોવાનું કબૂલાત આપતા ધનરાજને ફરાર દર્શાવી પોલીસે પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.