મચ્છુ ડેમ તૂટતા મોરબી એક્ઝાટકે સ્મશાન ભૂમિમાં ફેરવાયુ હતુંસેંકડો પૂર પીડિતો આજે પણ એ ગોઝારા દિવસને ભૂલી નથી શક્યા, આજે પણ આંસુના પુર અવિરતમોરબી : 11 ઓગસ્ટ, 1979નો એ કાળો દિવસ મોરબી ક્યારેય નહીં ભૂલી શકે, મચ્છુ હોનારતે મોરબીને આંખના પલકારામાં સ્મશાન ભૂમિ બનાવીને ભારે વિનાશ વેર્યો હતો. હજારો લોકોને મચ્છુના પુરે મોતની આગોશમાં સમાવી લીધા હતા અને સેંકડો પશુઓ પુરના તણાયા હતા. સેંકડો ઇમારતો ધરાશયી થઇ હતી. ચારેકોર લટકતી માનવો તથા પશુઓની લાશ, સ્વજનોની યાદમાં ચોધાર આંસુએ રડતા આપ્તજનો તથા મૃત્યુ પામેલી માતા પાછળ રુદન કરતા બાળકોની ચિચિયારીઓથી મોરબી ખોફનાક સન્નાટાનું શહેર બની ગયું હતું. માનસપટ્ટ ઉપર ખૌફનાક યાદો છોડી જળ હોનારતની આજે 45 વરસી છે ત્યારે પૂરગ્રસ્તોની આંખોમાંથી આજે પણ આંસુના પુર વહી રહ્યા છે.11 ઓગસ્ટ, 1979ના દિવસની વાત કરીએ તો આ ગોઝારા દિવસે મોરબીમાં સામાન્ય જનજીવન હતું, પરંતુ ઉપરવાસના ભારે વરસાદને કારણે મહાકાય મચ્છુ-2 ડેમ તૂટતા મોરબીમાં રીતસર મોતનું તાંડવ સર્જાયું હતું. મચ્છુ ડેમમાંથી છૂટેલા ખતરનાક જળપ્રવાહોના રાક્ષસી કદના મોજા આખા શહેરમાં મોત બનીને ત્રાટકતાની સાથે મોરબી એક ઝાટકે તબાહ થઇ ગયું હતું. ઘણા લોકોને તો બચવાની તક પણ મળી ન હતી. સેંકડો મકાનો અને મોટી મોટી ઈમારતોને મચ્છુના પુરે એક ઝાટકે તહસ-નહસ કરી દીધા હતા. જીવ બચાવવા ભાગતા હજારો લોકોને પણ મચ્છુના પુરે સદાય માટે મોતની આગોશમાં સમાવી લીધા હતા. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જે બચી ગયેલા લોકો ઉંચાઈવાળી જગ્યાએ પહોંચ્યા ત્યાં પણ, મચ્છુએ મોતનો વિકરાળ પંજો ફેલાવતા સ્થળાંતરિત કરાયેલા અનેક લોકો પરિવાર સમેત મોતને ભેટ્યા હતા.મોરબીના ઇતિહાસમાં સૌથી વધુ કરૂણ અને ગોઝારી કહી શકાય તેવી આ ઘટનાની ભયાનકતા અને તબાહીની કલ્પના કરતા પણ ધ્રુજી ઉઠાય છે. પરંતુ એ દિવસે મચ્છુએ જે વિનાશ વેર્યો તેના લાચારી અને ભયાનકતાના દ્રશ્યો ભલભલાને કમકમાટી ઉપજાવી હતી. સેંકડો માનવ મૃતદેહો, વીજળીના તાર ઉપર લટકતી માનવ લાશો, હજારો જાનવરોના કોહવાય ગયેલા મૃતદેહો, ધ્વસ્ત થયેલા હજારો મકાનો, સ્વજનો તથા પોતાનું સર્વસ્વ ગુમાવી ચૂકેલા હજારો મોરબીવાસીઓની આંખમાં ડોકાતો ભય, નજર સામેથી ન હટતા પ્રલયના બિહામણા દ્રશ્યો, ડૂબી ગયેલા અને દબાઈને દટાઈ ગયેલા પરિવારજનોને બચાવવા માટેની આખરી ક્ષણની ચીચીયારીઓના દર્દનાક આવાજોથી મોરબી એક ખોફનાક સન્નાટાનું શહેર બનીને રહી ગયું હતું. તત્કાલીન મુખ્યમંત્રી બાબુભાઇ પટેલે મોરબીમાં સચિવાલય બનાવી દીધુંમચ્છુ જળ હોનારતમાં હજારો લોકો તથા પશુના મોત થયા હતા, તેમજ સેંકડો ઝુંપડા મકાનો અને મોટી ઇમારતો નાશ પામી હતી. જોકે, જળ હોનારતની ઘટના બાદ મોરબીને બેઠું કરવા એ વખતના ગુજરાતના મુખ્યમંત્રી બાબુભાઇ જસભાઈ પટેલે મોરબીમાં સચિવાલય બનાવીને પૂરગ્રસ્તોમાટે અસરકારક કામગીરી કરી હતી.અનેક પરિવાર હોનારતમાં હોમાઈ ગયામોરબીની વિનાશકારી જળ પ્રલયની દુર્ઘટનાને યાદ કરતા પૂરગ્રસ્તોએ ઘટના નજર સામે તાદ્દશ્ય થઈ હોય તેમ ધ્રુજી ઉઠે છે. વયોવૃદ્ધ પી.એમ.નાગવાડીયાનો એકનો એક વહાલસોયો દીકરો મચ્છુ પુરમાં ગુમાવ્યો હતો. આવા તો અનેક પરિવારો છે. જેમાં કોઈનો લાડકવાયો, કોઈનો ભરથાર તો કોઈનો માડીજાયો વીર કે કોઈનો આખો પરિવાર મચ્છુ જળ હોનારતમાં સદાયને માટે મોતની આગોશમાં સમાય ગયા હતા. આવી જ રીતે પૂરમાં દૂધીબેન બરાસરાના માતા-પિતા સહીતના 11 લોકોના મોત થયા હતા. તેમની કમનસીબી એ હતી કે પાણીથી બચવા કારખાનાની ઓફીસમાં બારણું બંધ કરીને અંદર પુરાયા હતા. પરંતુ પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે ઓફિસના દરવાજા તોડીને ઘુસી જતા 11 લોકોને મોતને ભેટ્યા હતા. દર વર્ષે મૌની રેલી યોજી દિવંગતોને અપાય છે શ્રદ્ધાંજલીગોઝારી મચ્છુ હોનારતના કાળા દિવસે દર વર્ષ મોરબી શહેરમાં મૌન રેલી યોજી દિવંગતોને મણિમંદિર નજીક આવેલ ખાંભી ખાતે શ્રદ્ધાંજલી અર્પવામાં આવે છે, સાથે જ મોરબી પાલિકા દ્વારા 11 ઓગસ્ટના દિવસે બપોરે 3:15 વાગ્યે 21 સાયરન વગાડી પાલિકા કચેરીએથી રેલી યોજવામાં આવે છે જેમાં મૌન પાડી ધારાસભ્ય સહિતના મહાનુભાવો અને પાલિકાના કર્મચારીઓ અને નગરજનો શ્રદ્ધાંજલિ પાઠવે છે.મચ્છુ હોનારત ઉપર પુસ્તક અને ડોક્યુમેન્ટરી બનીમચ્છુ હોનારતની ઘટના વિશે આગામી પેઢી જાણે અને આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે સિનિયર પત્રકાર દિલીપભાઈ બરાસરા, દિલીપ ક્ષત્રિય અને હર્ષદ ગોહિલ મચ્છુ હોનારત ઉપર ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી હતી. એટલું જ નહીં મૂળ ભારતીય અને હાલ અમેરિકામાં રહેતા ઉતપલ સાદેસરાએ તેના એમરીકન મિત્ર સાથે મળીને પહેલા મચ્છુ હોનારત ઉપર પહેલા ઈંગ્લીશમાં પુસ્તક બનાવ્યા બાદ એનો ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો. જેમાં આ બન્ને યુવાનોએ સરકારી દસ્તાવેજો, તથ્યો, ડેમની સ્થિતિ સહિતના તમામ સત્ય પાસાના ઉજાગર કરીને આ ઘટના કુદરતી નહિ પણ માનવ સર્જિત હોવાનો ઘડાકો કર્યો હતો.તે વખતે ડેમ ઉપર પાણીની આવક જાવક ઉપર ડેમના તત્કાલિક અધિકારીઓ કંટ્રોલ ન કરી શક્યા ત્યારે ઉપરથી પાણીના વધુ ફોર્સથી ડેમ તૂટ્યો હોવાનો ઉલ્લેખ છે.