હવે સુધરી જજો... નગર પાલિકાના વહીવટદાર દ્વારા પશુમાલિકોને આખરી ચેતવણી : પકડાયેલ ઢોર પાંજરાપોળ મોકલાશેમોરબી : મોરબી શહેરમાં રસ્તે રઝળતા ઢોરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા જિલ્લા કલેકટર અને વહીવટદાર તેમજ ચીફ ઓફિસર પ્રયત્નશીલ બની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી લીધા બાદ પકડાયેલ ઢોર કયા રાખવા તે સમસ્યાનો ઉકેલ શોધી લઈ શનિવારથી જ ઢોર પકડવાની કામગીરી શરૂ કરી છે, સાથે જ વહીવટરદાર દ્વારા શહેરમાં વસવાટ કરતા પશુમાલિકોને પોતાના ઢોર રસ્તે છુટા નહિ મુકવા તાકીદે કરી હતી.મોરબીમાં છેલ્લા લાંબા સમયથી રસ્તે રઝળતા ઢોરનો ત્રાસ અનહદ વકર્યો છે ત્યારે પાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસર દ્વારા સમસ્યાના ઉકેલ માટે ઢોર પકડવા માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. પરંતુ રસ્તા ઉપરથી પકડાયેલ ઢોરને કયા રાખવા તે મુશ્કેલી હોય જિલ્લા કલેકટર, વહીવટદાર અને ચીફ ઓફિસરે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને સાથે રાખી પાંજરાપોળ અને ગૌશાળા સંચાલકો સાથે બેઠક યોજી હતી. જેમાં સેવાભાવી સંસ્થાઓએ આવા ઢોર સાચવવા સહમતી આપતા આજથી જ ઢોર પકડવાની કામગીરી શરૂ કરી છે.મોરબી નગરપાલિકાના વહીવટદાર એસ.જે.ખાચરે જણાવ્યું હતું કે, રસ્તે રઝળતા ઢોર પકડવાની કામગીરી અન્વયે શહેરમાંથી જેટલા પશુઓ પકડાશે તે પૈકીના પશુઓને પાંજરાપોળ તેમજ અલગ અલગ ગૌશાળા ખાતે મોકલી આપવામાં આવશે. સાથે જ તેઓએ મોરબીના પશુપાલન વ્યવસાય કરતા લોકોને પોતાના ઢોર રસ્તા ઉપર છુટા નહીં મુકવા તાકીદ કરી હતી અને આવા માલિકીના પશુ પકડાયે પ્રથમ વખત 3000 અને બીજી વખતના કિસ્સામાં 5000 દંડ ચૂકવવા તૈયાર રહેવા જણાવ્યું હતું.બીજી તરફ મોરબી - માળીયા મિયાણાના ધારાસભ્ય કાંતલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે, હાલમાં જિલ્લા કલેકટર દર અઠવાડિયે 40 અધિકારીઓને ગામડે મોકલી ગ્રામજનોને સરકારની યોજના, શિક્ષણ અને પાણી તેમજ રોડ રસ્તાની સુવિધા મળે છે કે કેમ ? તેની ચકાસણી કરવામાં આવે છે ત્યારે આગામી દિવસોમાં મોરબી નગર પાલિકા વિસ્તારમાં પણ અધિકારીઓ - કર્મચારીઓની ટીમ મેદાને ઉતારી નગરજનોની સુખાકારી વધારવા પ્રયત્ન કરાશે.