પાલિકાને છેલ્લા 4 દિવસથી કુંડીઓ સાફ કરવામાં આભે તારા દેખાઇ ગયા : ટીખળખોરોના કારણે પાલિકા અને પ્રજા બન્ને હેરાનમોરબી : મોરબીના અનેક વિસ્તારો ગટર ઉભરાવવાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. તેવામાં નગરપાલિકાએ હાથ ધરેલી ઝુંબેશમાં ભૂગર્ભ ગટરમાંથી રેતીના બાચકા અને મોટા પથ્થરો નીકળતા હોવાનું સામે આવ્યું છે. જે મુદ્દો હાલ ચર્ચાનો વિષય બન્યો છે.કન્યા છાત્રાલય રોડ સહિતના વિસ્તારોમાં છેલ્લાં 4 દિવસથી નગરપાલિકાની ટિમો દ્વારા ભૂગર્ભ ગટરની કુંડીઓ સાફ કરવામાં આવી રહી છે. થોડા દિવસ પહેલા જ હાઇવે ઉપર ગટર છલકાય છે તેનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.ઉપરાંત ઉભરાતી ગટરની અનેક ફરિયાદોને પગલે નગરપાલિકાએ ઝુંબેશ હાથ ધરી છે.જો કે ભૂગર્ભ ગટરની સફાઈ કરતી વખતે તેમાંથી રેતીના બાચકા અને મોટા પથ્થરો મળી આવતા નગરપાલિકાની ટિમ પણ સ્તબ્ધ બની ગઈ હતી. બીજી તરફ પ્રજાને હેરાન કરવા અને પાલિકાના બદનામ કરવા અમુક ટીખળખોરો આવા કૃત્યો કરી રહ્યા હોવાની શંકા પણ ઉપજી રહી હોવાનું જણાઈ રહ્યું છે.