ખરાબ રોડના કારણે અવાર નવાર અકસ્માતો સર્જાતા હોવાનો રહીશોનો આરોપમોરબી : મોરબીના આલાપ રોડ પર આવેલી ખોડિયાર પાર્ક, પટેલનગર, અને ન્યુ આલાપ સોસાયટીના ખરાબ રોડ રસ્તા મામલે આજે મોટી સંખ્યામાં મહિલાઓ અને રહીશોએ નગરપાલિકા કચેરીએ એકઠા થઈ હલ્લાબોલ કર્યો હતો અને તાત્કાલિક ધોરણે ખરાબ રોડની હાલત સુધારવા ઉગ્ર રજૂઆત કરી હતી. રહીશોના જણાવ્યા પ્રમાણે આલાપ રોડ પરની સોસાયટીઓમાં રોડની હાલત ખૂબ જ ખરાબ છે અને વરસાદી પાણી ભરાય રહે છે. આ અંગે અવાર નવાર પાલિકામાં રજૂઆતો કરી છે પરંતુ કોઈ સુધારો થયો નથી.આજ રોજ આલાપ રોડ પરની વિવિધ સોસાયટીના રહીશોએ ખરાબ રોડ મામલે નગરપાલિકા કચેરીએ આવીને ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી હતી અને બાઈક લઈને રૂબરૂ આ વિસ્તારની મુલાકાત કરી સમસ્યા જોવા જણાવ્યું હતું. રહીશોની રજૂઆત બાદ ચીફ ઓફિસરે તાત્કાલિક એન્જિનિયરને સ્થળ તપાસ કરવા મોકલ્યા હતા અને રોડની સ્થિતિમાં સુધારો લાવવા સૂચના આપી હતી.પટેલ નગરના મહિલાએ જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી રોડ ખરાબ હાલતમાં છે. જેના કારણે દરરોજ વાહન લઈને જતી મહિલાઓ રોડના ખાડામાં પડે છે. મત લેવા માટે નેતાઓ આવે છે પરંતુ એ પ્રમાણે કામ નથી કરતાં. જો તાત્કાલિક રોડ બનાવવામાં નહીં આવે તો અમે આગામી દિવસમાં નગરપાલિકા કચેરીમાં હલ્લાબોલ કરીશું. આ વિસ્તારના અન્ય એક રહીશે જણાવ્યું હતું કે અમે નગરપાલિકાને ટેક્સ ચુકવીએ છીએ પરંતુ નગરપાલિકાએ ટેક્સ લઈને રોડ, રસ્તા અને પાણીની સુવિધા આપી નથી. અમારા વિસ્તારમાં કાઉન્સિલર કોણ છે એ પણ કોઈને ખબર નથી. માત્ર ટેક્સ ઉઘરાવવો છે કામગીરી કરવી નથી. રોડના ખાડમાં કોઈ પડી જાય અને જાનહાનિ થાય તો તેની જવાબદારી શું સરકાર લેશે ?