લોખંડની ચીજ વસ્તુની ખરીદી કર્યા બાદ આપેલો રૂ.૯.૮૯ લાખનો ચેક પરત ફરવાના કેસમાં કોર્ટનો દાખલારૂપ ચુકાદોમોરબી : મોરબીમાં લોખંડની ચીજ વસ્તુની ખરીદી કર્યા બાદ આપેલો રૂ.૯.૮૯ લાખનો ચેક પરત ફરતા કોર્ટે આરોપીને એક વર્ષની કેદની સજા અને ડબલ રકમનો દંડ ફટકારી દાખલારૂપ ચુકાદો આપ્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર ફરીયાદી બાબુલાલ હરીલાલ મારૂ તે મે. હરીલાલ ગંગારામના નામથી ચાલતી પેઢીના પ્રોપ્રાઈટર તેઓ ડો.તખ્તસિંહજી રોડ, મોરબી મુકામે લોખંડની ચીજવસ્તુઓના ખરીદ વેચાણનો ધંધો કરે છે તેઓએ ફેબ્રીકેશનનુ કામ કરતા પઢારીયા અજીતભાઈ ભુપેન્દ્રભાઈને રૂા. ૯,૮૯,૪૧૪/- નો લોખંડની ચીજ વસ્તુઓનો માલ મિત્રતાના દાવે ઉધાર આપ્યો હતો. જેનો ચેક આપતા તે બેન્કમાંથી રિટર્ન થતા આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.આ કેસ થર્ડ એડિશનલ જ્યૂડીશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં ચાલી જતા તેઓએ આરોપી પઢારીયા અજીતભાઈ ભુપેન્દુભાઈને તકસીરવાન ઠેરવી ૧ વર્ષની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ ફરમાવવામાં આવ્યો છે. આ સાથે રૂ.૯,૮૯,૪૧૪/- ની ડબલ રકમ રૂા. ૧૯,૭૮,૮૨૮/-નો દંડ ફરમાવવામાં આવ્યો છે. તથા તે દંડમાંથી ફરીયાદીને ચેકની રકમના વાર્ષિક ૯% વ્યાજ સહીત ચુકવી આપવા તથા દંડ ભરવામાં કસુર થયેથી આરોપીએ વધુ ૯૦ દિવસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે. ઉપરાંત આરોપી હાજર રહેલા ન હોય, આરોપી વિરુધ્ધ પકડ વોરંટ ઈશ્યુ કરવા પણ જણાવાયુ છે.