થોડા સમય માટે મામલો ઉગ્ર બનતા પોલીસ બોલાવાય : અંતે રૂ.16 હજારનો દંડ ફટકારાયોમોરબી : મોરબીમાં રઝળતા ઢોરનો મુદ્દો ગાજયા બાદ નગરપાલિકા એક્શન મોડમાં આવી ગઈ છે. ઢોરને રોડ ઉપર છુટ્ટા મુકનાર ત્રણ પશુપાલકોને રૂ.16 હજારનો દંડ ફટકાર્યો છે. ઉપરાંત આગામી દિવસોમાં આવી દંડનીય કાર્યવાહી ચાલુ રાખવાનું પણ એલાન કર્યું છે.મોરબીમાં રઝળતા ઢોરને કારણે રોડ ઉપર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ત્યારે વહીવટદાર અને અધિક કલેકટર એસ.જે.ખાચરે આ મામલે ગંભીરતા દાખવી નગરપાલિકાના ચીફ ઓફિસર ડોબરીયાને સૂચના આપતા તેઓની ટીમે રોડ ઉપર રઝળતા ઢોરના માલિકોને બોલાવી સમજાવ્યા હતા. પણ મામલો ગરમ થઇ જતા પોલીસ બોલાવવી પડી હતી.બાદમાં આ ત્રણેય પશુપાલકોને રૂ. 16 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. વધુમાં ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે આ રીતે કાર્યવાહી ચાલુ જ રાખવામાં આવશે. ઉપરાંત પશુઓને ટેગ પણ લગાવવામાં આવશે. પ્રથમ વખત રૂ.3 હજારનો દંડ કરવામાં આવશે. બાદમાં તે જ ઢોર બીજી વખત પકડાશે તો રૂ. 5000નો દંડ કરવામાં આવશે.