પ્રશ્નોનું સમાધાન નહીં થાય તો 20 થી 22 ઓગસ્ટ ભારતભરમાં હડતાળમોરબી : છેલ્લા ઘણા સમયથી મોરબી સહિત રાજ્યભરમાં આશા વર્કર, ફેસિલિએટર બહેનો અને આંગણવાડી વર્કરો પોતાની વિવિધ માગણીઓને લઈને સરકાર સામે મોરચો માંડ્યો છે. બે દિવસ પહેલા જ આશા અને આંગણવાડી વર્કરોએ મોરબી કલેક્ટરને આવેદનપત્ર આપીને પોતાની વિવિધ પડતર માગણીઓ સંતોષવા રજૂઆત કરી હતી. તેમ છતાં કોઈ માગણીઓ પરિપૂર્ણ ન થતાં આજ રોજ આશા વર્કર તેમજ આંગણવાડી વર્કરોએ પડતર પ્રશ્નો મામલે કલેક્ટર કચેરીએ ધરણા કર્યા હતા અને ઉગ્ર સૂત્રોચ્ચા કર્યા હતા.મોરબી કલેક્ટર કચેરીના પરિસરમાં આજે મોરબીની આશા વર્કર અને આંગણવાડી વર્કર બહેનોએ એકઠા થઈને ધરણા કર્યા હતા. વર્કરોએ સૂત્રોચ્ચાર કરીને ‘અમે અમારો હક માંગીએ છીએ ભીખ નથી માગતા’, ‘વય મર્યાદા દૂર કરો’, ‘પેન્શન યોજના ચાલુ કરો’, ‘કાયમી કરો’ના સૂત્રોચ્ચાર કર્યા હતા. આ અંગે ઓલ ગુજરાત આશા વર્કર અને આંગણવાડી વર્કર યુનિયનના ઉપપ્રમુખ રંજનબેન સંઘાણીએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 2018 બાદ માનદ વેતનમાં એકપણ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો નથી. મોંઘવારી વધી રહી છે તેમ છતાં 6 વર્ષથી પગારમાં વધારો કરાયો નથી. સાથે જ આંગણવાડી વર્કરોના આ વર્ષના બજેટમાં 350 કરોડ રૂપિયાનો કાપ મૂકવામાં આવ્યો છે. તેથી બજેટમાં વધારો કરવામાં આવે અને તમામ બહેનોને ગુજરાત સરકારના નિયમ પ્રમાણે એક દિવસના 496 રૂપિયા લેખે લઘુતમ વેતન ચુકવવામાં આવે.. જો તાત્કાલિક આ અંગે નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી તારીખ 20, 21 અને 22 ઓગસ્ટે સમગ્ર ભારતમાં હડતાળ પાડવામાં આવશે.