વેપારીએ આર્થિકભીંસથી કંટાળી પગલું ભર્યાનું તારણ, એક વર્ષથી ફ્લેટનું મેઇન્ટન્સ પણ ન ભર્યાનું સામે આવ્યુંમોરબી : મોરબીના વસંત પ્લોટમાં મંગળવારે હાર્ડવેરના વેપારીએ પત્ની અને પુત્ર સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે ત્યારે આજે બુધવારે સ્મશાન યાત્રા નીકળતા એક સાથે ત્રણ - ત્રણ અર્થીઓ ઉઠતા કરુણ દ્રશ્યો સર્જાયા હતા. જો કે, સામુહિક આપઘાત કેસમાં હજુ કોઈ નક્કર વિગતો સામે આવી નથી પરંતુ આર્થિકભીંસને કારણે કંટાળી લોહાણા વેપારીએ પરિવાર સાથે આ પગલું ભર્યાનું મનાઈ રહ્યું છે.મોરબીના ચકચારી સામુહિક આપઘાત કેસમાં હાર્ડવેરના વેપારી હરેશભાઇ દેવચંદભાઈ કાનાબાર, તેમના પત્ની વર્ષાબેન અને પુત્ર હર્ષે એક જ ફ્લેટમાં અલગ અલગ જગ્યાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેવા પ્રકરણમાં સીટી એ ડીવીઝન પીઆઇ હકુમતસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, પ્રાથમિક દ્રષ્ટીએ આર્થિકભીંસને કારણે આ આપઘાત કર્યા હોવાનું જણાઈ રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી મૃતક વેપારીની દુકાન બરાબર ચાલતી ન હતી. સાથે જ ફ્લેટનું એક વર્ષનું મેન્ટેનન્સ પણ બાકી હતું. ત્યારે આર્થિકભીંસમાં આવી વેપારીએ સામુહિક આપઘાત કર્યો હોવાનું બની શકે છે.ઉલ્લેખનિય છે કે, મૃતક વેપારી હરેશભાઈને તેમના કુટુંબ અને ભાઈઓ સાથે વહેવાર ન હોવા છતાં પણ અંતિમ પગલું ભરતા પહેલા તેમના ભાઈને મેસેજ કરી ગુડ બાય, જિંદગી બાય બાય... જેવા શબ્દો લખી જિંદગીથી કંટાળી આપઘાત કરવાનું પગલું ભરી રહ્યા હોવાનું સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું. હાલમાં મોરબી પોલીસ ત્રણેય મૃતકોના મોબાઈલની કોલડીટેઇલ સહિતની બાબતોની જીણવટ ભરી તપાસ ચલાવી રહી છે.