મોરબી : મોરબી શહેરમાં રસ્તે રખડતાં ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. ઉદાસિન તંત્ર આ પ્રશ્ને કોઈ ધ્યાન ન આપતું હોય આ સમસ્યાનો ભોગ મોરબીના નાગરિકોને બનવું પડી રહ્યું છે. ત્યારે મોરબીના સામાકાંઠે બાઈક લઈને જઈ રહેલા યુવકને રસ્તા વચ્ચે ખૂંટિયો આવી જતાં ખાડામાં પડી ગયા હતા અને મણકા ભાંગી ગયા હોવાનું જાણવા મળ્યું છે.મોરબીના પંચાસર રોડ પર આવેલા ઓમકાર પેલેસમાં રહેતા ચિરાગભાઈ હસમુખભાઈ શેરસિયા સામાકાંઠા વિસ્તારમાંબાઈક લઈને પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક એક ખૂંટિયો રસ્તા વચ્ચે ઉતર્યો હતો જેથી તેઓ બાઈક પરથી ખાડામાં પડ્યા હતા. જેથી તેમના મણકા ભાંગી ગયા છે અને ત્રણ મહિના આરામ કરવા ડોક્ટરે જણાવ્યું છે. ચિરાગભાઈ શેરસિયા ઘરમાં કમાનાર એકના એક વ્યક્તિ છે ત્યારે આ ત્રણ મહિનાનો ખાટલો આવતા પરિવાર મુશ્કેલીમાં મૂકાયો છે. ચિરાગભાઈએ જણાવ્યું હતું કે, આજથી 2 મહિના પહેલા તેમના મામા બાલુભાઈ પણ આવી જ રીતે ખૂંટિયો રસ્તામાં આવી જતા પડી ગયા હતા અને મગજમાં હેમરેજ થઈ ગયું હતું. ત્યારે આ સમસ્યા મામલે તેઓ મોરબી નગરપાલિકાને જવાબદાર ઠેરવી આક્રોશ ઠાલવી રહ્યા છે.