આગામી 20 ઓગસ્ટે હાઇકોર્ટમાં મુદત હોય એડવોકેટની હાજરીમાં બેઠક યોજ્યા બાદ નિર્ણય લેવાયોમોરબી : વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબીના સીરામીક ઉદ્યોગને કોલગેસ પ્લાન્ટ ચલાવવા મુદ્દે વર્ષ-2017માં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ફટકારેલા કરોડો રૂપિયાના દંડ મામલે લાંબા સમયથી ચાલતા વિવાદમાં હાઇકોર્ટના આદેશ અન્વયે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા ફટકારવામાં આવેલ આખરી નોટિસ બાદ બુધવારે મોરબી સીરામીક એસોસીએશનના નેજા હેઠળ હાઇકોર્ટના એડવોકેટની હાજરીમાં યોજાયેલ બેઠકમાં સર્વાનુમતે વાંધા સાથે દંડની 25 ટકા રકમ ભરવા સહમતી સધાઈ હતી. સાથે જ આગામી 20 ઓગસ્ટ પહેલા જ આ રકમ ભરી બાદમાં એનજીટીએ ફટકારેલા દંડ મામલે વિસ્તૃત વાંધાઓ રજૂ કરી કાનૂની લડત આપવા નક્કી કરવામાં આવ્યું હતું.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના સીરામીક ઉદ્યોગકારો દ્વારા કોલગેસ પ્લાન્ટ ચલાવવામાં આવતા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે મોરબીના આવા 560 સીરામીક એકમોને પર્યાવરણમાં પ્રદુષણ ફેલાવવા મામલે આકરો દંડ ફટકાર્યો હતો જેની સામે મોરબીના સીરામીક ઉદ્યોગકારોએ હાઇકોર્ટમાં અને સુપ્રીમકોર્ટમાં ગુહાર લગાવતા હાઇકોર્ટે 25 ટકા દંડની રકમ ભર્યા બાદ સીરામીક ઉદ્યોગને ફટકારવામાં આવેલ દંડ મામલે સાંભળવામાં આવશે તેવો આદેશ કર્યો હતો બીજી તરફ આ આદેશ મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા પણ હાઇકોર્ટના આદેશને યથાવત રાખી દંડની રકમમાં વાંધા હોય તો નિયમ મુજબ 25 ટકા રકમ ભર્યા બાદ સાંભળવામાં આવશે તેવો ચુકાદો આપ્યો હતો.બીજી તરફ ગુજરાત હાઇકોર્ટ દ્વારા એનજીટીએ ફટકારેલા દંડ અંગેના કેસમાં આગામી 20મીએ સુનાવણી હોય જીપીસીબી પાસે સ્ટેટ્સ રિપોર્ટ માંગતા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ દ્વારા મોરબીના તમામ 560 કોલગેસ પ્લાન્ટ ધરાવતા કારખાનેદારોને આખરી નોટિસ આપી આકરા પગલાં માટે તૈયાર રહેવા સંકેત આપી દેતા જ બુધવારે મોરબી સીરામીક એસોસીએશનના નેજા હેઠળ આ ગંભીર મામલે હાઇકોર્ટના એડવોકેટ પ્રિતેશભાઇ ખંભોળીયાની હાજરીમાં મહત્વની બેઠક યોજાઈ હતી જેમાં કોર્ટના આદેશ મુજબ શું -શું કાર્યવાહી થઇ શકે અને ભવિષ્યમાં કોલગેસ મામલે ફટકારાયેલ દંડ સંબંધે વાંધા રજૂ કરવા 25 ટકા રકમ ચૂકવવી આવશ્યક હોવાનું જણાવવામાં આવતા સીરામીક ઉદ્યોગકારોએ હકારાત્મક નિર્ણય લઈ આગામી 20 ઓગસ્ટ યોજાનાર સુનાવણી પૂર્વે જ વાંધા સાથે 25 ટકા રકમ ભરવા નિર્ણય કર્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.મોરબીના સીરામીક ઉદ્યોગકારોને કોલગેસ વાપરવા મામલે એનજીટીએ દંડ ફટકારવાના કિસ્સામાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા અનેક કિસ્સામાં કાચું કાપી નાખી અનેક કિસ્સામાં તો ફક્ત કોલગેસ પ્લાન્ટ માટે મંજૂરી માંગી હોય અને પ્લાન્ટ હોય જ નહીં એવા એકમોને દંડ ફ્ટકારવાની સાથે કેટલાક કિસ્સામાં એક પ્લાન ચાલુ હોય અને બીજો પ્લાન્ટ શરૂ કરવા મંજૂરી માંગી ન હોય અને મશીનરી લાવવામાં આવી હોય તેવા કિસ્સામાં બબ્બે પ્લાન્ટનો દંડ ઉપરાંત અનેક કિસ્સામા ફક્ત બે વર્ષથી જ કોલગેસ પ્લાન્ટ ચલાવતા હોવા છતાં પાંચ વર્ષનો વપરાશ ગણી દંડ ફટકાર્યો હોય હવે આ 25 ટકા રકમ વાંધા સાથે ભરપાઈ કર્યા બાદ આ તમામ મુદ્દે લડત આપવામાં આવશેવર્ષ 2017થી ચાલતા કોલગેસ પ્રકરણમાં હાઇકોર્ટ દ્વારા કડક વલણ અપનાવવામાં આવતા જીપીસીબી પણ હાંફળું ફાંફળું બન્યું છે અને તમામ 560 એકમોને આખરી માંગણા નોટિસ ફટકારી છે ત્યારે ટોચના સૂત્રોએ ત્યાં સુધી જણાવ્યું હતું કે, જો કોર્ટના આદેશ મુજબ આ 25 ટકા રકમ ન ભરવામાં આવે તો તમામ 560 એકમોને બચવા માટેનો રસ્તો બાકી રહે તેમ ન હતો અને કોર્ટના આદેશ મુજબ ક્લોઝર તેમજ 100 ટકા દંડની રકમ વસુલાત પણ થઇ શકે તેમ હોવાનું કાયદા નિષ્ણાંતોએ અભિપ્રાય આપતા જ હાલમાં વાંધા સાથે દંડ માટે સહમતી સધાઈ હોવાનું પણ જાણવા મળે છે.