માતા અને બહેનને રહેંસી નાખનાર આરોપીએ હત્યાની કબૂલાત આપી હતીમોરબી : ચારેક વર્ષ પૂર્વે મોરબીના ઝીકીયારી ગામે રસોઈ બનાવવા બાબતે માતા અને બહેન ઝઘડો કરતા હોય ઝનૂની સ્વભાવના કપાતર પુત્રએ માતા અને બહેનને ધારિયાના એક-એક ઘા મારી મોતને ઘાટ ઉતારી બેવડી હત્યાને અંજામ આપતા આ ચકચારી બનાવ અંગેનો કેસ ચાલી જતા મોરબી કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી 10 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.આ કેસની ટૂંકી વિગત જોઈએ તો મોરબી તાલુકાના ઝીકીયારી ગામે રહેતા આરોપી દેવશીભાઇ ઉર્ફે કાળુભાઇ સવજીભાઈ ભાટિયાએ ગત તા.7-11-2020ના રોજ પોતાના ઘેર રસોઈ બનાવવા બાબતે માતા કસ્તુરબેન અને બહેન સંગીતાબેન ઝઘડો કરતા હોવાથી આરોપી દેવશીએ બન્નેમાંથી કોઈપણ એકને રસોઈ બનાવવા કહ્યું હતું. જો કે, બન્નેમાંથી કોઈએ રસોઝ ન બનાવતા ઝનૂની સ્વભાવના આરોપી દેવશીભાઇ ઉર્ફે કાળુભાઇ સવજીભાઈ ભાટિયાએ માતા અને બહેનને ધારિયાનો એક -એક ઘા મારી દેતા ગંભીર ઈજાઓ પહોંચતા બન્નેના મૃત્યુ નિપજ્યા હતા. બનાવ અંગે આરોપીના પિતરાઈ ભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો દાખલ કરી આરોપી દેવશીની ધરપકડ કરી હતી. આ કેસ મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચાલી જતા અદાલતે 18 મૌખિક અને 29 દસ્તાવેજી પુરાવા તેમજ જિલ્લા સરકારી વકીલ વિજયકુમાર જાનીની દલીલો ધ્યાને લઇ આરોપી દેવશીને આજીવન કેદ અને 10 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.