ટ્રેજડી વિકટીમ એસોસિએશનની 302 ની કલમ ઉમેરવા સહિતની અરજીને કારણે કેસ વિલંબમાં હોવાની મુખ્ય સરકારી વકીલની સ્પષ્ટતામોરબી : આગામી 9 ઓગસ્ટથી કોંગ્રેસ દ્વારા મોરબી ઝૂલતાપૂલ દુર્ઘટના, વડોદરાની હરણીબોટ દુર્ઘટના અને રાજકોટ તેમજ સુરતની દુર્ઘટનામા પડિતોને ઝડપી ન્યાય ન મળતો હોવાને કારણે ન્યાયયાત્રાનું આયોજન કર્યું છે ત્યારે આજે મોરબી જિલ્લા સરકારી વકીલ પત્રકાર પરિષદ યોજી ઝૂલતાપૂલ કેસને સરકાર ઝડપથી અને ડે બાય ડે ચલાવવા માંગતી હોવાનું પણ પીડિત પરિવારો વતી બનેલા ટ્રેજડી વિકટીમ એસોસિએશને કરેલી વિવિધ અરજીઓની સુનાવણી ન થઈ શકતી હોય કેસ ચલાવવામાં વિલંબ આવી રહ્યો હોવાની સ્પષ્ટતા કરી હતી.મોરબી જિલ્લા સરકારી વકીલ વિજયભાઈ જાનીએ પત્રકારોને વિગતો આપતા જણાવ્યું હતું કે, 135 લોકોનો ભોગ લેનાર ઝૂલતાપૂલ દુર્ઘટનામાં પોલીસે તપાસ પૂર્ણ કરી 23 જાન્યુઆરી 2023ના રોજ ચાર્જશીટ રજૂ કરી દીધું છે, સીટના અહેવાલ અને એફએસએલ સહિતના તમામ રિપોર્ટ આવી ગયા છે પરંતુ ટ્રેજડી વિકટીમ એસોસિએશન દ્વારા ઝૂલતાપુલ દુર્ઘટના કેસમાં કલમ 302નો ઉમેરો કરવા અંગેની અલગ અલગ અરજીની સુનાવણીમાં વિકટીમ એસોસિએશન વતી તેમના એડવોકેટ નિયમિત હાજર રહેતા ન હોય જ્યાં સુધી અરજીની સુનાવણી ન થાય ત્યાં સુધી ચાર્જ ફ્રેમ થઈ શકતો નથી પરિણામે કેસ ચલાવવામાં વિલંબ થઈ રહ્યો છે.વધુમાં જિલ્લા સરકારી વકીલ વિજયભાઈ જાનીએ ઉમેર્યું હતું કે, સરકારપક્ષે એકપણ વખત કેસ વિલંબિત થાય તેવા પ્રયાસો કરાયા નથી અને તમામ બાબતો રેકર્ડ ઉપર છે ત્યારે ટ્રેજડી વિકટીમ એસોસિએશન સત્વરે અરજીઓની સુનાવણીમા હાજર રહે તો ઝડપથી ચાર્જ ફ્રેમ થઈ શકે અને એકવર્ષ જેટલા સમયથી કેસ ચાલી શકતો નથી તે ઝડપભેર ચાલી શકે. વધુમાં તેમને ઉમેર્યું હતું કે, સરકાર ઝૂલતાપૂલ કેસને ડે બાય ડે ઝડપથી ચલાવવા ઇચ્છતી હોવાનું અંતમાં ફરી એક વાર તેઓએ જણાવ્યું હતું.