વાંકાનેરના કોટડા નાયાણી ગામે વર્ષ 2018માં બન્યો હતો બનાવમોરબી : વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામે વર્ષ 2018માં નજીવા કારણોસર પત્નીને લાકડી વડે ઢોર માર માર્યા બાદ ગળેટુંપો આપી મોતને ઘાટ ઉતારનાર પતિને મોરબીની સેસન્સ કોર્ટે આજીવન કેદની સજા સાથે દસ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.આ કેસની વિગત જોઈએ તો વર્ષ 2018માં વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામે રહેતા આરોપી ભીખાભાઇ બચુભાઈ લઢેર નામના શખ્સે તેમની પત્ની જાનુબેન ઉર્ફે ભારતીબેન ઉ.50 સાથે ઝઘડો થતા પ્રથમ લાકડી વડે આડેધડ માર માર્યા બાદ ગળું દબાવી હત્યા કરી નાખતા કોટડા નાયાણી ગ્રામ પંચાયતના સદસ્ય વિજયસિંહ ઉર્ફે ભીખુભા જાડેજા ફરિયાદી બન્યા હતા અને ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ભીખાભાઇ બચુભાઈ લઢેરની ધરપકડ કરી હતી. જે અંગેનો કેસ મોરબીના પ્રિન્સિપાલ સેસન્સ જજની કોર્ટમાં ચાલી જતા કોર્ટે 25 મૌખિક અને 33 દસ્તાવેજી પુરાવા અને સરકારી વકીલ વિજયકુમાર જાનીની દલીલો ધ્યાને લઈ આરોપી ભીખાભાઇ બચુભાઈ લઢેરને આજીવન કેદની સજા ફટકારી રૂપિયા 10 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.