જડેશ્વર મહાદેવ મંદિરે આગામી સોમવારે મેળો :બએકટાણાં, ઉપવાસ સાથે શિવભક્તોએ કર્યો શિવઉપાસના પ્રારંભમોરબી : આજથી ભગવાન ભોળાનાથની ઉપાસનાનો પર્વ એટલે કે શ્રાવણ માસ શરૂ થતા જ ભક્તો ભગવાન ભોળાનાથની ભક્તિમાં તલ્લીન બની ગયા છે. શ્રાવણ માસ શરૂ થતા જ મોરબીના તમામ શિવાલયોમાં રુદ્ર અભિષેક, જળાભિષેક માટે શિવભક્તોએ વહેલી સવારથી જ લાઈનો લગાવી હતી. તમામ શિવાલયો શિવલીગને ખાસ શણગાર કરવામાં આવ્યો છે સાથે જ શિવ ભક્તોએ એકટાણાં, ઉપવાસ કરી શ્રાવણ માસ શિવની ઉપાસના શરૂ કરી છે. મજાની વાત એ છે કે, આ વખતે સોમવારથી શ્રાવણ માસ શરુ થતો હોય પાંચ સોમવાર હોય ભક્તોમાં ભક્તિના ઘોડાપુર ઉમટ્યા છે.મોરબીમાં આજથી શ્રાવણ માસ શરૂ થતાં ભક્તો શિવભક્તિમાં તલ્લીન થયા છે, તમામ શિવાલયોમાં હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠ્યા છે. મોરબીના પૌરાણિક રફાળેશ્વર મહાદેવ મંદિરે દરરોજ સવાર - સાંજ આરતી અને બપોરે ભંડારાના આયોજન કરાયા છે અને અહીં અમાસના દિવસે મેળો ભરાશે. જયારે મોરબી શહેરના ગ્રીન ચોક વિસ્તારમાં આવેલ કુબેરનાથ મહાદેવ મંદિરે દરરોજ સવાર - સાંજ આરતી, દરરોજ સવારે રુદ્રાભિષેક અને બપોરે ભૂદેવો અને પૂજારી માટે ભંડારાનું આયોજન કરાયું છે. શંકર આશ્રમમાં આવેલ નીલકંઠ મહાદેવ મંદિરને પણ રોશનીથી શણગારવામાં આવ્યું છે.મોરબીના સામાકાંઠે એલઈ કોલેજ રોડ પર આવેલ અગ્નેશ્વર મહાદેવ મંદિરે પણ સવાર સાંજ આરતીએ અને સોમવારે મહા આરતી તેમજ બીજા મંગળવારે ભંડારો તેમજ શિવ સાગરમાં વિષ્ણુજી સુતા હોય અને લક્ષ્મીજી ભગવાનના પગ દબાવતા હોય તેવી વિશાળ કૃતિ બનાવવામાં આવી છે. જયારે સામાકાંઠે શોભેશ્વર રોડ પર આવેલ શોભેશ્વર મહાદેવ મંદિરે દરરોજ સવાર સાંજ આરતી અને દરરોજ ભંડારાનું આયોજન કરવામાં અવાયું છે. જયારે તીથવા ગામ પાસે આવેલ ભંગેશ્વર મહાદેવ મંદિરે દરરોજ બપોરે ભંડારો અને સવારે 9 થી સાંજના 5 સુધી ધૂન તેમજ સવાર સાંજે આરતી કરવામાં આવશે.મોરબીના સ્ટેશન રોડ ઉપર આવેલ જડેશ્વર મહાદેવ મંદિર, મોરબી નજીક અને વાંકાનેરના પ્રખ્યાત જડેશ્વર મહાદેવ મંદિર, જંગલેશ્વર મહાદેવ મંદિર, શંકર આશ્રમ નીલકંઠ મહાદેવ મંદિર, કુબેરનાંથ મહાદેવ મંદિર, ટંકારા નજીક આવેલ ભીમનાથ મહાદેવ મંદિર, સહિતના તમામ નાના મોટા શિવાલયોમાં શણગાર કરાયા છે અને ભક્તો રુદ્ર અભિષેક સહિતની ઉપાસના કરી રહ્યા છે. સાથે જ વાંકાનેર નજીક આવેલ જડેશ્વર મહાદેવ મંદિરે બીજા સોમવારે મેળાનું પણ આયોજન પરંપરાગત રીતે કરવામાં આવ્યું છે ત્યારે આજ સવારથી તમામ શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે.