મોરબી : મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ભાગ્યલક્ષ્મી સોસાયટી પાસે આવેલી શિવધારા પાર્ક અને શિવ પાર્ક સોસાયટી વચ્ચેનો એપ્રોચ રસ્તો બિલ્ડરો દ્વારા બંધ કરી દેવાતા શિવ પાર્ક સોસાયટીના રહીશોએ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને મળીને લેખિત રજૂઆત કરી છે અને આ રસ્તો ખુલ્લો કરાવવા જણાવ્યું છે.મહત્વનું છે કે, મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શિવપાર્ક સોસાયટીને અડોઅડ આવેલી શિવધારા પાર્ક સોસાયટીના બિલ્ડરોએ બે સોસાયટી વચ્ચે આવેલ કાયદેસરનો જાહેર માર્ગ દાદાગીરીથી બંધ કરી દેતા સ્થાનિક રહેવાસીઓ થોડા દિવસ પહેલા કલેકટર પાસે રજૂઆત કરવા ગયા હતા અને સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બિલ્ડરો અને દીવાલ ચણનાર કડીયા સામે અરજી પણ આપી હતી. જો કે આ અંગે કોઈ કાર્યવાહી ન થતાં શિવ પાર્ક સોસાયટીના રહીશોએ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને મળીને આ અંગે રજૂઆત કરી છે. રહીશોનું કહેવું છે કે, બિલ્ડરો માથાભારે હોય તેઓને થાય તે કરી લેવાની ધમકી આપી રહ્યા છે. આ રસ્તો બંધ થવાથી બન્ને સોસાયટીના રહીશોને મુશ્કેલી પડી રહી છે. તેથી શિવ પાર્ક અને શિવધારા સોસાયટીને જોડતો એપ્રોચ રસ્તો ખુલ્લો કરાવવા ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી હતી.