એલસીબી ટીમે દરોડો પાડી 6 જુગારી પકડ્યા, જુગારધામનો સંચાલક ફરાર મોરબી : મોરબીમાં શ્રાવણ મહિનો નજીક આવતા જ જુગારની મોસમ ખીલી છે ત્યારે ગઈકાલે સાંજે મોરબી એલસીબી ટીમે રફાળેશ્વરના સોનલનગરમાં રહેણાંક મકાનમાં ધમધમતી જુગાર ક્લબ ઉપર દરોડો પાડી 6 જુગારીઓને પકડી પાડ્યા હતા. જો કે, દરોડા દરમિયાન જુગાર કલબનો સંચાલક એવો આરોપી પોલીસને હાથ લાગ્યો ન હતો.મોરબી એલસીબી ટીમે રફાળેશ્વરના સોનલનગરમાં આવેલ આરોપી ભરતભાઇ નારાયણભાઇ વરસડાના રહેણાંક મકાનમાં જુગારધામ ચાલુ હોવાની બાતમીને આધારે દરોડો પાડતા આરોપી ભારૂભા લાલુભા બાવડા, કનુભાઇ ભિખુભાઇ ગુઢડા, લખમણભાઇ મનુભાઇ બાવડા, સંજયભાઇ પ્રવીણભાઇ મારૂ, રમેશભાઇ માધાભાઇ ગમારા અને જીતુભાઇ રામજીભાઇ ગોહેલ તીનપતિનો જુગાર રમતા પકડાઈ જતા પોલીસે રોકડા રૂપિયા 62,200 કબ્જે કર્યા હતા. જો, કે મકાન માલિક અને જુગાર કલબનો સંચાલક આરોપી ભરતભાઇ નારાયણભાઇ વરસડા હાજર નહીં મળી આવતા પોલીસે તમામ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી આરોપી ભરતને ફરાર જાહેર કર્યો હતો.