મોરબી : મોરબી શહેરમાં રખડતાં ઢોરની સમસ્યા જાણે કે હવે સામાન્ય બની ગઈ હોય તેમ દરરોજ ઢોરના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હવે રખડતાં ઢોરની સમસ્યા શહેરની બહાર નેશનલ હાઈવે પર પણ જોવા મળી રહી છે.આજ રોજ મોરબી નેશનલ હાઈવે પર લાલપર પાસે શક્તિ ચેમ્બરની સામે રખડતાં ઢોરનો અડિંગો જામતા ટ્રાફિકજામની સ્થિતિ ઉભી થઈ હતી. હાઈવે પર ઢોર રસ્તો રોકીને બેસી જતાં વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા. આ પ્રકારની સ્થિતિ અવાર નવાર ઉભી થઈ રહી છે. જ્યારે ટ્રાફિકજામ થાય ત્યારે ટ્રાફિક પોલીસ આ રખડતાં ઢોરને રોડ પરથી હટાવે છે પરંતુ થોડા સમય બાદ ફરીથી રખડતાં ઢોર રસ્તા પર આવી જાય છે. ત્યારે આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.