મોરબી : મોરબી વિદ્યાર્થી સંગઠન દ્વારા સ્પર્ધાત્મક પરિક્ષામાંથી CBRT પદ્ધતિ નાબૂદ કરવા તેમજ ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ દરેક ઉમેદવારના માર્કશીટ પ્રસિદ્ધ કરવા સહિતની વિવિધ માંગણીઓ સાથે મોરબી કલેકટર કચેરી ખાતે કલેક્ટરને રૂબરૂમાં રજુઆત કરવામાં આવી છે.આ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે, છેલ્લા ઘણા સમયથી ગૌણસેવા દ્વારા ફોરેસ્ટ CCE, સબ ઓડિટર, સિનિયર સર્વેયર, પ્લાનિંગ આસિસ્ટન્ટ, વર્ક આસીસ્ટન્ટ, મદદનિશ ઈજનેર સિવિલ, ગ્રાફીક ડિઝાઈનર એમ અલગ અલગ સવર્ગ અને કેડરની ભરતીઓ CBRT પદ્ધતિથી લેવામાં આવી છે. આ પદ્ધતિનો ગુજરાતમાં પહેલી વાર જ્યારે પ્રયોગ કરવામાં આવ્યો તે પહેલાં કહેવાયું હતું કે, આ CBRT દ્વારા પરીક્ષા લેતી એજન્સી ખૂબ વિશ્વસનીય અને પારદર્શી પેપર રહિત ભૂલ રહિત છે. પરંતુ આ પદ્ધતિને કારણે ઘણા છબરડા સામે આવ્યા છે. સૌથી નકારાત્મક પાસું એ છે કે, ગુજરાતી સરકારની તમામ પરીક્ષાઓ ગુજરાતી ભાષા દ્વારા લેવાઈ છે. TCS કે અન્ય પ્રાઇવેટ એજન્સી દ્વારા જે કોન્ટેક્ટના ધોરણે કામ કરવામાં આવે છે. તેમાં તેને ગુજરાતી ભાષાનો અનુભવ હોતો નથી અને ગૌણસેવાના અધિકારી અને એજન્સીના માણસો વચ્ચે સંકલનનો અભાવ છે. તથા એકથી વધારે શિફ્ટમાં પેપર લેવામાં આવતા હોવાથી પરીક્ષાનું સ્તર જળવાતું નથી.ત્યારે આ CBRTની પદ્ધતિ દૂર કરવા તેમજ ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા જે પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમાં ફક્ત નામના બદલે ઉમેદવારના નોર્મલાઇઝેશન મેથડ પહેલા વાસ્તવિક માર્ક અને નોર્મલાઇઝેશન મેથડ લાગુ કરાયા બાદ કેટલા માર્કસ ઉમેરવામાં આવ્યા તેની માહિતી કેટેગરી વાઇસ અને માર્કસવાઇઝ પ્રસિદ્ધ કરવામાં આવે તેમજ CBRT પદ્ધતિ દૂર કરી અને GPSC તથા પોલીસ ભરતી બોર્ડની જેમ ઓફલાઈન મોડથી પરીક્ષા યોજવા માટે લેખિતમાં રજુઆત કરી કલેક્ટર સમક્ષ માંગણી કરવામાં આવી છે.