મોવર ટીમ્બા નજીક 40થી 50 ટેન્કર ઝેરી કદડો ઠલવાયોઝેરી કેમિકલ યુક્ત કદડો ઠાલવવામાં આવતા પશુધન ઉપર ખતરોમોરબી : મોરબી જિલ્લામાં કોલગેસ પ્લાન્ટ બંધ થવા છતાં હજુ પણ ઠેકઠેકાણે ઉદ્યોગો દ્વારા ઝેરી કેમિકલ યુક્ત કદડો ઠાલવવાની ઘટનાઓ છાસવારે બની રહી છે ત્યારે માળીયા મિયાણા ગામે મોવર ટીમ્બા વિસ્તારમાં છેલ્લા એક મહિનામાં 40થી 50 ટેન્કર ભરીને ઝેરી કેમિકલ યુક્ત કદડો અજાણ્યા ઈસમો ઠાલવી જતા માનવજાત અને ખાસ કરીને આબોલ પશુધન ઉપર ખતરો સર્જાયો છે.માળિયા મિયાણા હાઇવે નજીક આવેલ મોવર ટીમ્બા મેઈન રસ્તા પાસે કેમિકલના ટેન્કર ઠાલવવામાં આવતા હોવાનો જાગૃત નાગરિક મુસ્તાક મોવરે આરોપ લગાવી જણાવ્યું હતું કે, મોવર ટીમ્બા વિસ્તારમાં છેલ્લા 1 મહિના દરમિયાન મોડીરાત્રીના સમયે ઝેરી કેમિકલ યુક્ત કદડો ઠાલવવામાં આવી રહ્યો છે. વધુમાં આ કેમિકલ ટેન્કર મારફતે ઠાલવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં અહીં 45 જેટલા ટેન્કર ઠાલવવામાં આવ્યા હોવાનું અને આ ટેન્કર કોણ ઠાલવી જાય છે તેની ઓળખ થઈ શકી ન હોવાનું તેમને જણાવ્યું હતું.વધુમાં આ ઝેરી કેમિકલના ટેન્કર ઠાલવવાથી આ કેમિકલ હાલમાં વરસાદી પાણીથી ભરાયેલા નાળા અને નદીઓમાં ભળી રહ્યું છે અને આ પાણી પશુઓ પીવે છે જેથી માલધારીઓને નુકસાન પહોંચી રહ્યું છે. ત્યારે તંત્ર દ્વારા આ અંગે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી માનવ આરોગ્ય જોખમમાં મુકાય તેવા કૃત્ય કરનાર સામે કડક પગલાં ભરવા માંગ ઉઠાવી હતી.