વ્યાજખોરી હવે સ્કૂલ સુધી પહોંચી : મોબાઇલની ડિસ્પ્લે તૂટ્યા બાદ સગીરને વ્યાજમાં ફસાવ્યો, ચોંકાવનારી ફરિયાદમોરબી : મોરબીમાં 30 ટકા 40 ટકા વ્યાજ વસુલતા વ્યાજખોરો વચ્ચે હવે ઉગીને ઊભા થતા છેલ બટાઉ વ્યાજખોરો પેદા થયા છે અને હવે સ્કૂલમા ભણતા બાળક સુધી વ્યાજખોરીનું દુષણ પહોંચી ગયાની ચોંકાવનારી હકીકત વચ્ચે ધોરણ 11માં ભણતા બાળકથી મોબાઇલની ડિસ્પ્લે તૂટી ગયા બાદ આખા મોરબીનો ડોન હોવાની શેખી મારી જયરાજ રમેશ જારીયા નામના શખ્સે 125 ટકા વ્યાજ વસૂલી સગીરને વ્યાજના ચક્કરમાં ફસાવવાની તેમજ તેના પિતાને જાનથી મારી નાખવા ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.સમાજ માટે લાલબત્તીરૂપ અત્યંત ચોંકાવનારા આ કિસ્સાની વિગત કોઈએ તો મોરબીના રવાપર રોડ ઉપર ગોલ્ડન માર્કેટ સામે શ્યામ પાર્ક -1માં રહેતા ખેડૂત ચેતનભાઈ મનજીભાઈ ચીકાણીએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેમનો સગીર પુત્ર નવયુગ સ્કૂલમાં ભણતો હોય આરોપી દેવ અશોકભાઈ પનારા, રહે.શક્તિ ટાઉનશિપ, રવાપર ઘુનડા રોડ વાળાએ આઈફોન એક્સ લેવો છે તેમ કહી ફોન આપ્યો હતો. બાદમાં ફોનની ડિસ્પ્લે તૂટી જતા સગીર પાસેથી આરોપી દેવ અશોકભાઈ પનારાએ 6500 રૂપિયા ખર્ચના વસૂલી ફોન પરત લઈ લીધો હતો.બાદમાં ચેતનભાઈના પુત્રએ આ ફોન આરોપી દેવ અશોકભાઈ પનારાને આપી દેતા દેવે આ ફોન શુભ કાંતિલાલ અમૃતિયાને આ ફોન આપી દીધો હતો અને અહીંથી વ્યાજખોરીનો ખેલ શરૂ થયો હતો. જેમાં અચાનક જ પોતાની જાતને મોરબી આખાનો ડોન ગણાવતા આરોપી જયરાજ રમેશ જારીયા રહે.રવાપર રોડ ઉમિયાનગર વાળો વચ્ચે આવ્યો હતો અને ચેતનભાઈના પુત્ર પાસે ફોન પેટે રૂપિયા 40 હજાર આપવા પડશે કહી દરરોજના 1000 વ્યાજ લેખે પઠાણી વ્યાજ વસુલ્યું હતું. જે બાદ આ વાતની ચેતનભાઈને ખબર પડતાં ચેતનભાઈએ કહેવાતા આખા મોરબીના ડોન એવા જયરાજ રમેશ જારીયા સાથે સમાધાન કરી 30 હજાર ચૂકવી દઈ હવે તેમના પુત્રને હેરાન નહિ કરવા કહ્યું હતું.જો કે, પોતાની જાતને આખા મોરબીનો ડોન કહેનાર આરોપી જયરાજ રમેશ જારીયાએ ફરી ચેતનભાઈને ફોન કરીને કહ્યું હતું કે, તું કેમ મારા માણસ દેવને ખિજાણો ? હવે જો તારા દીકરાને વ્યાજના ચક્કરમાં ફસાવી દઉં છું કહી ને કિશન ગઢવી રહે.કાલિકા પ્લીટ નામના શખ્સ પાસે ફોન કરાવતા કિશને કહ્યું હતું કે હું તારા છોકરા પાસે 1 લાખ માંગુ છું મેં એને વ્યાજે આપ્યા હતા કહી ધમકી આપી હતી. સાથે જ ડોન જયરાજ રમેશ જારીયાએ ચેતનભાઈને જાનથી મારી નાખવા ધમકી આપી હતી.આ ગંભીર બનાવમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આરોપી દેવ અશોક પનારા, જયરાજ રમેશ જારીયા અને કિશન ગઢવી વિરુદ્ધ વ્યાજખોરો, જાનથી મારી નાખવા ધમકી સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.