એક જ મહિનામાં બીજો ભાવ વધારો ઝીકતી ગુજરાત ગેસ કંપની : આજે રાત્રે 12 વાગ્યાથી ભાવ વધારો લાગુ કરાશે મોરબી : ગુજરાત ગેસ કંપની દ્વારા સીએનજીના ભાવમાં ફરી વધારો ઝીંકવામાં આવ્યો છે. ગુજરાત ગેસ કંપની દ્વારા આજે ગુજરાત અને હરિયાણા રાજ્ય માટે સીએનજીના નવા ભાવ જાહેર કર્યા છે, નવા ભાવ મુજબ ગુજરાત ગેસ કંપનીએ ગુજરાતમાં સીએનજીના ભાવમાં રૂપિયા એકનો વધારો કરતા નવો ભાવ રૂપિયા 76.26 પૈસા થયો છે આ ભાવ વધારો આજે બુધવારે મધ્યરાત્રીથી લાગુ કરાશે.ગુજરાત ગેસ કંપની દ્વારા અગાઉ તા.3 જુલાઈના રોજ વાહનોમાં વપરાતા સીએનજીના ભાવમાં એક રૂપિયાના વધારા સાથે નવો ભાવ રૂ.75.26 કર્યો હતો. જો કે આ જ મહિનામાં હવે ગુજરાત ગેસ દ્વારા ફરી એક વખત રૂ.1નો ભાવ વધારો ઝીંક્યો છે. જેથી હવે સીએનજીનો નવો ભાવ રૂ.76.26 રહેશે. ગુજરાત ગેસ કંપનીએ ગુજરાત તેમજ હરિયાણા રાજ્યમાં આજે બુધવારે મધ્યરાત્રીથી નવા ભાવ અમલી બનાવતા આ ભાવ વધારાની સીધી અસર શહેર અને જિલ્લાના હજારો રિક્ષા ચાલકો અને ફોર વ્હીલ ગાડીઓના ચાલકો પર પડી છે.