બે ઇજાગ્રસ્ત ગૌવંશને મોરબીની યદુનંદન ગૌશાળા ખાતે સારવારમાં ખસેડાયાહળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામ નજીક પસાર થતા મોરબી હાઇ-વે પર ગતરાત્રિના કોઈ અજાણ્યા વાહન ચાલકે રોડની સાઈડમાં બેઠેલા છ ગૌવંશ પર ટ્રક ચડાવી દેતા ચારના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે બે ગૌવંશ ઇજાગ્રસ્ત થતા તેઓને ગૌ પ્રેમી યુવાનો દ્વારા સારવાર માટે મોરબી ખસેડવામાં આવી હતી.ચરાડવા ગામ નજીક હાઇ-વે પર રાત્રિના સમયે ગૌવંશ રોડની સાઈડમાં બેઠા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે છ ગૌ વંશ પર ટ્રક ચડાવી દીધી હતી.જેમાં ચારનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.જ્યારે બે ગૌવંશ ઇજાગ્રસ્ત થયેલ હોય જે ઘટનાની જાણ ચરાડવા ગામના ગૌ પ્રેમી ભલાભાઇ ભરવાડ,રાકેશભાઈ પટેલ, જયદીપસિંહ પઢિયાર,દેવાભાઈ ભરવાડને થતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઇજાગ્રસ્ત બંને ગૌવંશને મોરબી ખાતે આવેલી યદુનંદન ગૌશાળા ખાતે સારવાર માટે મોકલી આપી હતી.જ્યારે મૃતક ચારેય ગૌવંશને ગૌ પ્રેમી યુવાનો દ્વારા સમાધિ આપવામાં આવી હતી.સાથે જ ગૌપ્રેમી યુવાનો દ્વારા માંગ પણ કરવામાં આવી છે કે રાત્રિના સમયે બેફામ વાહનો ચલાવતા ચાલકો સામે પોલીસ કાર્યવાહી કરે અને નિર્દોષ ગૌવંશનું મૃત્યુ નીપજાવનાર ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવે.