મોરબી : મોરબી નગરપાલિકામાં ઘણા સમયથી વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે. ત્યારે મોરબી શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મહેશ રાજ્યગુરુ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ મોરબી નગરપાલિકામાં રોજમદાર કર્મચારી પગારનું કૌભાંડ ચાલતું હોવાનો સણસણતો આરોપ લગાવ્યો છે.કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું છે કે. મોરબી-માળિયાના ધારાસભ્યની દોરવણી હેઠળ નગરપાલિકામાં શાસન ચાલી રહ્યું છે. નગરપાલિકા કચેરીમાં રોજમદાર કર્મચારીઓ ઓફિસમાં હાજર હોતા નથી. નગરપાલિકા કર્મચારી વર્તુળમાં થતી ચર્ચા મુજબ ભૂગર્ભ ગટર વિભાગ હોય કે પવડી વિભાગ હોય કે ગેરેજ વિભાગ હોય કે અન્ય વિભાગ હોય આ તમામ વિભાગમાં રાખવામાં આવેલા રોજમદાર કર્મચારીઓ નોકરી કરવા આવતા નથી અને ખાલી નગરપાલિકા પાસેથી પગાર મેળવે છે. તેથી કર્મચોરીઓ રાખેલા છે કે ખોટા નામ ચડાવી કોઈ પગાર લઈને પાલિકાને આર્થિક નુકસાન પહોંચાડી રહ્યા છે તેની તપાસ કરવી જોઈએ.આ બાબતની વહીવટદાર અને ચીફ ઓફિસરને જાણકારી છે પરંતુ સત્તા પક્ષના દબાણથી કંઈ કાર્યવાહી ન કરી શકતાં હોય તેવું પણ બની શકે છે તેમ કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું છે. નગરપાલિકામાં જો પૂર્ણ સમયના ચીફ ઓફિસરને મૂકવામાં આવે તો આવા રોજમદાર કર્મચારીના ઘરે બેઠા લેવાતા પગાર બંધ થઈ જાય અને કર્મચારીઓ નગરપાલિકામાં હાજર રહે તેવું બને. આ બાબતે ધારાસભ્ય પણ તપાસ કરે તેમ કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું છે.