મોરબી તાલુકા પોલીસ આરોપીઓને છાવરતી હોવાના આરોપ સાથે એસપીને લેખિત રજૂઆતમોરબી : મોરબીના રફાળેશ્વર ગામના પારસભાઈ ગીરધરભાઈ વાઘેલાએ મોરબી જિલ્લા પોલીસ વડાને લેખિત અરજી કરીને હુમલાના આરોપીઓની ધરપકડ કરવામાં આવે નહીંતર ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.અરજીમાં જણાવ્યા મુજબ રફાળેશ્વરના પારસભાઈ વાઘેલાના પરિવાર પર જીવલેણ હુમલો થયો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાબતે ફરિયાદીએ 24 જુલાઈના રોજ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા આરોપીઓને પકડવામાં આવ્યા નથી. જેથી ફરિયાદએ દહેશત વ્યક્ત કરી છે કે પોલીસ આરોપીઓને છાવરી રહી છે અને તેઓને ન્યાય મળી શકે તેમ નથી. ફરિયાદીએ પોલીસવડાને કરેલી અરજીમાં જણાવ્યું છે કે, તેમના જીવને જોખમ છે, અવાર નવાર ધમકી ભરેલા ફોન આવે છે અને પરિવારને મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. જેથી પોલીસ બંદોબસ્ત આપવામાં આવે અને આરોપીઓની તાત્કાલિક અટકાયત કરવામાં નહિ આવે તો આગામી દિવસોમાં ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.