મોરબી : ભારત સરકારનાં પૂર્વમંત્રી અને રાજકોટનાં સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલા દ્વારા ઉડ્ડયન મંત્રી પાસે રાજકોટ-દેહરાદૂન વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરવાની માંગણી કરવામાં આવી છે.મહત્વનું છે કે, મોરબી લોહાણા સમાજના યુવા અગ્રણી તેમજ જિલ્લા બિલ્ડર એસોસિયેશનનાં ઉપપ્રમુખ અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના યુવા મોરચાના કારોબારી સભ્ય રૂચિરભાઈ કારીયા દ્વારા તા.4-7-2024નાં રોજ ઇમેઇલ તેમજ ફોન દ્વારા સૌરાષ્ટ્રનાં તમામ સાંસદો અને ઉડ્યન મંત્રી કિંજરપુ રામમોહન નાયડુને રાજકોટથી દેહરાદૂન ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરવા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.આ રજુઆતમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રભરમાંથી ઘણા હિન્દુ લોકો ધર્મયાત્રા માટે હરિદ્વાર તેમજ ચારધામ યાત્રા અર્થે જતા હોય છે. ત્યારે હરીદ્વારનું નજીકનું દેહરાદૂન એરપોર્ટ આવેલ હોય ત્યાં માટે જવા માટે અમદાવાદ ફરજિયાત જવું પડે છે. જેથી યાત્રાળુઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જો રાજકોટથી દેહરાદૂન ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ થાય તો ઘણા હિન્દુ યાત્રાળુઓને યાત્રાનો સમય ઘટી જાય. ત્યારે આ રજૂઆતને ધ્યાને લઈ ભારત સરકારનાં પૂર્વમંત્રી અને હાલ રાજકોટનાં સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલા દ્વારા ઉડ્યન મંત્રી પાસે રાજકોટ - દેહરાદૂન વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટની માંગણી કરવામાં આવી છે.