શનાળા રોડ ઉપર એક શખ્સ જાહેરમાં દારૂની રેલમછેલ કરી પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઉભા કર્યા : પોલીસ સખ્તાઈથી હવે કાયદો અને વ્યવસ્થા ઉપર ધ્યાન કેન્દ્રિત નહિ કરે તો પરિસ્થિતિ ગંભીર બનશેમોરબી : આમ તો ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છે. પણ તે કહેવા પૂરતી જ છે. મોરબી પણ તેમાંથી બાકાત નથી. પૈસા આપો એટલે દારૂ જોઈએ ત્યાં મળી જાય તે વાતથી સૌ કાઈ વાકેફ છે. પણ આ બધું છાને છુપે ચાલે ત્યાં સુધી વાંધો નથી. જો જાહેરમાં દારૂની રેલમછેલ થાય તો ખરેખર પોલીસે પણ આ વિશે મંથન કરવાની જરૂર છે.મોરબીના શનાળા રોડ ઉપરનો એક વિડીયો વાયરલ થયો છે. જેમાં લઘરવઘર ભરેલો એક શખ્સ ખુલ્લેઆમ દેશી દારૂની પોટલી મારી રહ્યો છે અને ડીંગલ કરી રહ્યો છે. આ વેળાએ રોડ ઉપરથી બહેનો દીકરીઓ પણ તેની પાસેથી જઈ રહી છે. દેખીતી રીતે આ ઘટના સામાન્ય છે. કારણકે દેશીની ખાલી પોટલી અને ઈંગ્લીશ દારૂની ખાલી બોટલો અવાર નવાર શહેરના રોડ રસ્તા કે અવાવરું જગ્યાએથી મળતી હોય છે. પણ આ ઘટનામાં તે શખ્સ કોઈ પણ જાતના ડર વગર જાહેરમાં પાર્ટી કરી રહ્યો છે. આ ઘટના મોરબી પોલીસ માટે શરમજનક કહી શકાય તેવી છે. ઉપરાંત ઘટના એ પણ દર્શાવે છે કે મોરબીમાં દારૂ મેળવવો એ રસ્તે રખડતા લોકો માટે પણ સહેલું છે.શહેરમાં કાયદો અને વ્યવસ્થા હાલ કથળી રહી છે. દારૂડિયાઓ ખુલ્લેઆમ મહેફિલો કરી રહ્યા છે. જો આટલામાં હવે મોરબી પોલીસ કડકાઈ નહિ દેખાડે તો પરિસ્થિતિ વણસી જશે.વધુમાં પ્રજાના જે પ્રતિનિધિ છે. તેને પણ આ મુદ્દે આગળ આવવાની જરૂર છે. કારણકે આ ન્યૂસન્સ પ્રજાનો મોટો પ્રશ્ન જ છે. તેને પણ આ મુદ્દો ઉઠાવી પ્રજા માટે ભયમુક્ત અને સુરક્ષિત વાતાવરણ બનાવવાની જરૂર છે.ઉલ્લેખનીય છે કે આ ઘટનાને લઈને સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. બાદમાં પોલીસે આગળની કાર્યવાહી કરી છે. પણ પોલીસ આ બધી ગેરકાનૂની પ્રવૃત્તિઓ ઉપર ધોસ ક્યારે બોલાવશે તે પ્રશ્ન સૌ જાગૃત નાગરિકોના મનમાં ઉઠી રહ્યા છે.