મોરબી : તારીખ 28 જુલાઈ ને રવિવારના રોજ મોરબી જિલ્લા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી- મોરબી દ્વારા પ્રેરિત જિલ્લા કક્ષાનું શૈક્ષણિક અધિવેશનનું આયોજન અભિનવ સ્કૂલમાં કરવામાં આવ્યું હતું.આ અધિવેશનમાં મોરબી જિલ્લાના સરકારી હાઈસ્કૂલના શિક્ષકો હાજર રહ્યાં હતા તેમજ અતિથિઓ તરીકે શિક્ષણવિદ અને હાસ્યલેખક એવા ડૉ. અમૃતલાલ કાંજીયા, વી.સી. હાઇસ્કૂલના પૂર્વ આચાર્ય એવા રમેશ મેરજા, મોરબી જિલ્લા સંઘ પ્રમુખ મેહુલ દેથરીયા, મહામંત્રી મોરબી જિલ્લા સંઘ દર્શનભાઈ પટેલ, વર્ગ 2 અધિકારી અલ્પેશભાઈ પરમાર, વર્ગ 2 અધિકારી પાડલિયા તેમજ અભિનવ સ્કૂલના સંચાલક મનોજભાઈ ઓગણજા હાજર રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય તેમજ પ્રાર્થનાથી કરાઈ હતી. ત્યારબાદ ડૉ. અમૃતલાલ કાંજીયાએ ખૂબ જ રમુજ સાથે હળવી શૈલીમાં શિક્ષક-વિદ્યાર્થી-શાળાનાં પરસ્પર સંબંધો કેવા હોવા જોઈએ એ બાબતે વક્તવ્ય આપ્યું હતું અને શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતા. વહીવટી કુશળ એવા વી.સી. હાઇસ્કૂલના પૂર્વ આચાર્ય રમેશ મેરજા દ્વારા શિક્ષકો સાથે વહીવટી પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી તેમજ શિક્ષણ સેવા વર્ગ-૨ એવા પાડલિયા ખુબ જ સરસ રીતે શિક્ષકની ભૂમિકા શું હોવી જોઈએ તે વિશે વક્તવ્ય આપ્યું હતું. અભિનવ શાળા સંચાલક એવા મનોજભાઈ ઓગણજા દ્વારા ભવિષ્યમાં સરકારી શિક્ષક સંઘને એમનાથી શકય હોય એવી તમામ મદદ કરવાની બાંહેધરી આપી હતી.મોરબીના જિલ્લા શિક્ષણાધિકારી કે. એમ.મોતા સાહેબ દ્વારા ઓડિયો સંદેશ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી. કાર્યક્રમના અંતે પર્યાવરણ પ્રત્યે આપણી ફરજ સમજીને રોપા વિતરણ કરવામાં આવ્યું હતું અને દરેક શિક્ષક દ્વારા એક વૃક્ષ ઉછેરવાની જવાબદારી લેવામાં આવી હતી. કાર્યક્રમના અંતમાં મોરબી જિલ્લા સંઘના પ્રમુખ એવા મેહુલ દેથરીયા દ્વારા કાર્યક્રમમાં હાજર તમામ શિક્ષકો તેમજ મંચસ્થ મહેમાનોનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો અને બધા શિક્ષકોએ સમૂહ ભોજન લીધું હતું.