સાત સ્વરૂપ હવેલીના મુખ્યાજીને સામે ચાલી ચાવી પરત સોંપી મોરબી : આજના સમયમાં પારકી અને સરકારી મિલ્કતો હડપ કરવાની હરીફાઈ જામી છે અને પારકી મિલ્કતો ખાલી કરાવવા સરકારે લેન્ડ ગ્રેબિંગ જેવા કાયદા અમલમાં બનાવ્યા છતાં પણ લોકોને કાયદાનો ડર નથી રહ્યો તેવામાં ખારા રણમાં મીઠા વીરડા સમાન એક ઘટનામાં મોરબીના સદગૃહસ્થ વેપારીએ 50 વર્ષના નિયમિત ભાડુઆત તરીકે ભાડું ચૂકવ્યા બાદ હવે મિલ્કતની જરૂરત ન હોય સામે ચાલીને સાત સ્વરૂપ હવેલીની માલિકીની કિંમતી જગ્યાની ચાવી સામે ચાલીને મુખ્યાજીને સોંપી આપી હતી.મોરબીમાં ખોડીયાર મઢૂલી પરીવારના નામથી ઓળખાતા અનિલકુમાર ધીરજલાલ કારીયાએ પોતાના ધંધાકીય ઉપયોગ માટે વર્ષો પૂર્વે મોરબી શહેરની બજારલાઈન એટલે કે, સોની બજાર લાલબંબા શેરી પાસે આવેલ મોરબી સાત સ્વરુપ વૈષ્ણવ હવેલીની માલિકીનું ગોડાઉન ભાડે રાખ્યું હતું અને છેલ્લા 5વર્ષથી નિયમિત ભાડુ ચુકવતા હતા. જો કે, છેલ્લા 15થી 20વર્ષથી અનિલભાઈ કારીયા ધંધામાથી નિવૃત થયા છે ત્યારે તેઓએ એક મહત્વનો નિર્ણય લઇ પરીવારજનોને આ ગોડાઉન મુળ માલીક એવા સાતસ્વરુપ વૈષ્ણવ હવેલીને પરત સોંપવા નિર્ણય કર્યો.વધુમાં અનિલભાઈ પરિવારને કહ્યું હતું કે, ઠાકોરજીની ખુબ કૃપા છે જેથી મિલ્કત એકપણ રુપીયો લીધા વિના કે કોઈ પણ જાતની શરત રાખ્યા વગર આપણે હવેલીને પાછી સોંપી દેવી છે ત્યારે પરીવારસભ્યો પણ ખુબ રાજી થયા અને રવિવારે સવારના સમયે મિલ્કતનાં ભાડુઆતે હવેલીએ સામેથી જઈ અને મુખ્યાજીને ગોડાઉનની ચાવી સોંપી રાજીખુશીથી પોતે કરેલ નિર્ણય જણાવી ચાવી ઠાકોરજીને અર્પણ કરી હતી.ઉલ્લેખનીય છે કે, આજે દરેક સમાજના ધામિઁક ટ્રસ્ટ પાસે મિલ્કતો છે અને વર્ષો પહેલાં ટ્રસ્ટીઓએ ટ્રસ્ટના નિભાવ ખર્ચ માટે મિલ્કતો ભાડે આપી અને આજે લોકો મિલ્કતને પેઢીઓ સુધી બીનજરુરી રીતે પોતાની પાસે રાખી મુકે છે ત્યારે મોરબીના લોહાણા સમાજના પ્રૌઢે નીતિમત્તા અને પ્રામાણિક્તાનો દાખલો બેસાડતા હવેલીના મુખ્યાજી અને ટ્રસ્ટી તેમજ સમગ્ર વૈષ્ણવ સમાજના લોકોએ અનિલકુમાર ધીરજલાલ કારીયા અને ખોડીયાર મઢુલી પરીવારનો આભાર માન્યો હતો. સાથે જ આવી ટ્રસ્ટની મિલ્કત જે કોઈ પાસે હોય અને હવે જરુર ન હોયતો ટ્રસ્ટને પરત સોંપી આપવા અપીલ પણ કરી હતી.