બાઇકને બ્રેક મારતા જ પાછળ આવતું ડમ્પર ફરી વળ્યુંમોરબી : ન જાણ્યું જાનકી નાથે સવારે શુ થવાનું છે.... મોરબીના ભરતનગર ગામે રહેતા આશાસ્પદ યુવાન સાથે પણ આવું જ કંઈક થયું અને અકાળે અવસાન થયું, ગત તા.14ના રોજ ફેક્ટરીથી ઘેર પરત ફરતી વેળાએ રંગપર નજીક રોડ ઉપર કૂતરું આડુ ઉતરતા બાઇકને બ્રેક મારતા જ પાછળ ધસમસતા આવતા ડમ્પર ચાલકે યુવાનને કચડી નાખતા ઘટના સ્થળે જ મૃત્યુ નિપજતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ ટંકારા તાલુકાના હીરાપર ગામના વતની અને હાલમાં ભરતનગર ખાતે રહેતા હાર્દિકભાઈ અણદાભાઈ ફેફર ઉ.29 નામના યુવાન જેતપર રોડ ઉપર આવેલ લેવીટ સિરામિક ફેકટરીમાં લોડિંગ માસ્ટર તરીકે નોકરી કરતા હોય ગત તા.14ના રોજ નોકરી પરથી પરત ફરી રહ્યા હતા ત્યારે રંગપર નજીક કોયો સિરામિક ફેકટરી પાસે પહોંચતા ડમ્પરની સાઈડ કાપી આગળ નીકળ્યા હતા ત્યાં જ આગળ રસ્તા વચ્ચે કૂતરું આવી જતા બાઇકને બ્રેક મારતા પાછળ ફૂલ સ્પીડે આવતા જીજે - 36 - ટી - 6881 નંબરના ડમ્પર ચાલકે હાર્દિકભાઈને કચડી નાખતા બનાવ સ્થળે જ તેમનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટના અંગે તેમના મોટાભાઈ સતિષભાઈ ફેફરે મોરબી તાલુકા પોલીસ મથકમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.