મોરબી : મોરબી પુરવઠા વિભાગ દ્વારા આજ રોજ મોરબીમાં ગેસની બોટલનું છુટક વેચાણ કરતી દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં મંજૂરી કરતાં વધુ ગેસની બોટલનો જથ્થો ધરાવતા ત્રણ દુકાનદારો સામે કડક કાર્યવાહી કરીને દુકાનને સીલ મારી દેવામાં આવી છે.આજ રોજ મોરબીમાં મંજૂરી કરતાં વધુ ગેસની બોટલનો જથ્થો ધરાવતી ત્રણ દુકાનોને સીલ કરવામાં આવી હતી. જેમાં રાજ ટ્રેડર્સ, બુરહાની ટ્રેડર્સ અને દેવચંદ વશરામ એન્ડ સન્સ નામની દુકાનમાં મંજૂરી કરતાં વધુ ગેસની બોટલનો જથ્થો હોય પુરવઠા વિભાગ દ્વારા કડક પગલાં ભરીને ત્રણેય દુકાનને સીલ કરી દેવામાં આવી છે. આ અંગે જિલ્લા પુરવઠા અધિકારી વર્માએ મોરબી અપડેટને જણાવ્યું હતું કે, કલેક્ટરની સૂચના અને માહિતી મળી હતી કે મંજૂરી કરતાં વધારે ગેસનો જથ્થો આ ત્રણેય દુકાનોમાં છે. જેથી નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ અને પુરવઠા વિભાગ દ્વારા આજે તપાસ હાથ ધરવામાં આવી હતી. છુટક વેચાણ માટે 100 કિલોગ્રામનો જથ્થો રાખવાની પરવાનગી હોય છે. પરંતુ તપાસમાં વધુ જથ્થો હોવાનું ધ્યાને આવ્યું હતું. સાથે જ આ ત્રણેય દુકાનમાં કોઈપણ પ્રકારના ફાયર સેફ્ટીના સાધનો પણ પૂરતા પ્રમાણમાં ન હતા. તેથી ત્રણેય દુકાનને સીલ મારવામાં આવી છે. આગળ પણ મોરબી જિલ્લામાં અન્ય જગ્યાએ ગેસની બોટલનું વેચાણ કરતી દુકાનોમાં તપાસ કરવામાં આવશે.