ટંકારાના હડમતીયા ગામે શેઢા પાડોશીઓ વચ્ચે હલણ બાબતે ઝઘડો

- text


એક પક્ષે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદનો ખાર રાખી હુમલો કરાયાની તો બીજા પક્ષે હલણના પ્રશ્ને કેસ જીતી જતા હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી

ટંકારા : ટંકારા તાલુકાના હડમતીયા ગામની સીમમાં શેઢા પાડોશીઓ વચ્ચે હલણના પ્રશ્ને ઝઘડો થતા બન્ને પક્ષ દ્વારા એક બીજાને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવા મામલે ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે સામસામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર રોડ ઉપર ભંભોળની વાડીમાં રહેતા પ્રકાશભાઈ રમેશભાઈ નકુમે હડમતીયા ગામે રહેતા ભીખાભાઇ વાલજીભાઈ સિણોજીયા અને કાંતાબેન ભીખાભાઇ સિણોજીયા વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, અગાઉ તેઓએ લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હોય જેનો ખાર રાખી બન્નેએ પથ્થર મારી માથું ફોડી નાખી જાનથી મારી નાખવા ધમકી આપતા ફરિયાદ નોંધાવી હતી.

- text

જ્યારે સમાપક્ષે ભીખાભાઇ વાલજીભાઈ સિણોજીયાએ આરોપી પ્રકાશ રમેશભાઈ નકુમ રહે.મોરબી અને મનસુખ ડાયાભાઈ સિણોજીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, તેઓએ રસ્તા બાબતે ટંકારા મામલતદાર સમક્ષ કેસ કર્યો હોય જેનો ચુકાદો તેમની તરફેણમાં આવતા આરોપીઓને સારું નહીં લાગતા ઝઘડો કરી દાંતરડા વડે હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. બન્ને બનાવ અંગે ટંકારા પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

- text