મોરબી : ઔદ્યોગિક નગરી તરીકે ઓળખાતા મોરબીને ટ્રાન્સપોર્ટ નગરની સુવિધા આપવામાં આવે તેવી વીરપર મચ્છુ ગામના હસમુખભાઈ ગઢવી દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે.મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, અહીં સિરામિક, સેનિટેશન, પેપર મીલ, પોલીપેક, ઘડિયાળ અને નળિયા વગેરે ઉદ્યોગો આવેલા છે. તેથી માલ પરિવહન માટે ભારતભરમાંથી ટ્રક ચાલકો મોરબી આવે છે. દરરોજ ખૂબ મોટી સંખ્યામાં ટ્રક, કન્ટેનર વગેરે મોરબી આવતા હોય છે. તેથી સરકાર તરફથી સરકારની જમીન પર સરકારના ખર્ચે ટ્રાન્સપોર્ટ નગર બને તો ટ્રક ચાલકો, ડ્રાઇવરો અને ક્લીનરને સુવિધા મળી રહે. જેથી મોરબીથી દૂર આશરે 10 થી 20 કિમીના અંતરે ટ્રાન્સપોર્ટ નગર બને જ્યાં પાણીની સુવિધા, નાહવા માટેની સુવિધા અને વાહન સફાઈ માટેની સુવિધા ઉભી કરવામાં આવે. સાથે જ આરામ કરવા માટે ટોકન ભાડાથી ડોરમેટ્રીની સુવિધા આપવામાં આવે. આમ આશરે 4થી 5 હજાર ટ્રક પાર્ક થઈ શકે તેવું પાર્કિંગ એટલે કે ટ્રાન્સપોર્ટ નગર બનાવવામાં આવે તેવી મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.