જાણો.. રથયાત્રામાં જગન્નાથજી, બળભદ્રજી અને સુભદ્રાજીની અધુરી બનેલી કાષ્ઠની મૂર્તિઓ પાછળની કથામોરબી : અષાઢી બીજના પવિત્ર દિવસે રથમાં બલરામ સુભદ્રા અને કૃષ્ણ જગતને દર્શન આપવા ફરવા નીકળે છે. અને જે આ રથના દર્શન કરે કે દોરડું ખેચે તો તેને સર્વ પાપમાંથી મુક્તિ મળે છે. નગરજનો હરે કૃષ્ણ હરે રામા હરે બોલ બોલી યાત્રાને મંદિર સુધી લઈ જાય છે. ધાર્મિક માન્યતાઓ અને પરંપરાઓમાં ભગવાન જગન્નાથને જ શ્રીકૃષ્ણ અને રાધાનું દિવ્ય યુગલ સ્વરૂપ માનીને તેમની સાથે જ ભાઈ બલભદ્ર અને સુભદ્રાની અધુરી બનેલી કાષ્ઠ અર્થાત્ લાકડાની મૂર્તિઓની સાથે રથયાત્રા કાઢવાની પરંપરા છે. આ અવસરે શ્રી જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાજીનું ષોડશોપચાર કરી પૂજન તથા તેમને દિવ્યરથ પર યાત્રા કરાવવાનું સવિષેશ મહત્વ છે. જે ભક્ત ભગવાનના રથનું દોરડું ખેંચે છે. ભગવાન જગન્નાથ તેના જીવનરથનું દોરડું ખેંચે છે.રથ યાત્રાની કથાપૌરાણિક કથા અનુસાર એકવાર દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણ રાત્રિ દરમિયાન સૂઈ રહ્યા હતા. નજીકમાં જ રુક્મણી પણ સૂઈ ગયા હતા. નિદ્રામાં શ્રીકૃષ્ણએ રાધાના નામનું ઉચ્ચારણ કર્યું. આ સાંભળીને રુક્મણી અચંબીત થઈ ગયા. સવાર થતા જ રુક્મણીજીએ આ વાત અન્ય પટરાણીઓને કહી અને કહ્યું કે આપણા આટલા સેવા, પ્રેમ અને સમર્પણ પછી પણ સ્વામી રાધાને યાદ કરવાનું ભૂલતા નથી.એક દિવસ ભગવાન કૃષ્ણ તેમના ભાઈ બલરામ સાથે દ્વારકાની બહાર ગયા હતા. ત્યારે કૃષ્ણ ભગવાનની રાણીઓએ માતાને પુછ્યુ કે અમે કૃષ્ણ ભગવાનની આટલી સેવા કરીએ છીએ છતાં શ્રીકૃષ્ણજી રાત-દિવસ રાધાનું નામ જ લે છે. ત્યારે માતા બોલ્યા જો કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં ન પ્રવેશે તો કૃષ્ણની લીલા હું કહુ. ત્યારે રાણીઓએ આ માટે સુભદ્રાને દરવાજાની બહાર ધ્યાન રાખવા ઉભા રાખી. તેથી, આવે તો જાણ કરે અને કહ્યુ કે કોઇને અંદર પ્રવેશ કરવા ન દેતા. પછી માતાએ કથા ચાલુ કરી.સુભદ્રા દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા. ત્યારે કૃષ્ણ અને બલરામ પાછા આવ્યા તો એમણે જોયુ કે સુભદ્રા દરવાજા પર કાન રાખીને ઉભા છે. કૃષ્ણ અને બલરામ રાજ મહેલમા પ્રવેશવા ગયા તો સુભદ્રાએ તેમને રોક્યા. તો કૃષ્ણ અને બલરામ સુભદ્રાની જેમ દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા. ત્યારે અચાનક ભક્તિના ભાવને લીધે ત્રણેના હાથ અને પગ સંકોચાવા માંડ્યા અને આંખો મોટી થવા માંડી.ત્યારે જ કૃષ્ણ ભગવાનને મળવા નારદ મુનિ દ્વારકા આવ્યા તો તેમણે જોયુ કે કૃષ્ણ ભગવાનના હાથ અને પગ સંકોચાઇ ગયા હતા અને આંખો મોટી થઈ ગઈ હતી. નારદ મુનિએ કૃષ્ણ પ્રભુને કહ્યુ કે તમારુ આ રૂપ જગતને બતાવો. તો કૃષ્ણ ભગવાનએ નારદ મુનિને આ રૂપ જગતને બતાવવાનુ વચન આપ્યું.