મોરબી : મોરબીમાં તારીખ 10-7-2024ને મંગળવારે નવયુગ વિદ્યાલય તથા તારીખ 11-7-2024ને બુધવારના રોજ નિર્મલ વિદ્યાલય ખાતે સ્કૂલના વિદ્યાર્થીઓ માટે પર્યાવરણ જાગૃતિ માટે વનસ્પતિ પરિચય તથા પર્યાવરણ અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં મોરબીના લેખક, પ્રકૃતિપ્રેમી તથા વનસ્પતિ નિષ્ણાંત એવા પ્રાણજીવનભાઇ કાલરિયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આ ઉપરાંત સ્કૂલના 150 જેટલા વિદ્યાર્થીઓને પાંચ પ્રકારના દેશી શાકભાજીના બીજનું ફ્રી વિતરણ કરાશે.મોરબી જિલ્લાની સ્કૂલોમાં વિદ્યાર્થીઓને દેશી શાકભાજીના બીજનું ફ્રી વિતરણ કરવાની ઝુંબેશ શરૂ કરેલી છે. આ માટે હાલ આગામી અઠવાડિયામાં અલગ અલગ ચાર દાતાઓ તરફથી ચાર સ્કૂલોમાં આયોજન કરેલું છે. મોરબીમાં નવયુગ ઉપરાંત નિર્મલ વિદ્યાલય તથા સાર્થક વિદ્યાલય ખાતે પણ આયોજન કરેલ છે.આ યોજનાનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને પ્રકૃતિની નજીક લાવવાનો છે. વિદ્યાર્થીઓ શાકભાજી વાવતા અને ઉછેર કરતા શીખે. આ ઉપરાંત કુટુંબને ઝેર મુક્ત ઘરના ઓર્ગેનિક તથા પરંપરાગત શાકભાજી ખાવાનો લ્હાવો મળે. દરેક વિદ્યાર્થીઓને કાંટાવાળા રીંગણ, ધારવાળા દેશી ટમેટા, કારેલા, મરચા અને કંકોળા જેવા શાકભાજીના બીજ અલગ અલગ આપવામાં આવશે.જેથી શહેરમાં વસતા વિદ્યાર્થીઓ ઘરની અગાસી કે બાલ્કનીમાં કુંડાઓમાં આ શાકભાજી વાવી શકશે. આ યોજના માટે એક સ્કૂલમાં 150 વિદ્યાર્થીઓને શાકભાજી કીટ આપવાનો ખર્ચ અંદાજીત 5000 રૂપિયા છે. જે માટે કેટલાક દાતાઓ આગળ આવ્યા છે. જો કોઇ દાતા ઇચ્છે તો મોરબી જિલ્લાની પોતાના એરિયાની કોઇ પણ સ્કૂલ માટે ફંડ આપી કાર્યક્રમ યોજી શકે છે. આયોજક દાતાનું બેનર લગાવાશે. તેમજ પ્રાણજીવન કાલરિયા વિદ્યાર્થીઓને તમામ માર્ગદર્શન આપશે તથા આયોજકના હસ્તે ફ્રી કીટનું વિતરણ કરાશે. આ કાર્યક્રમમાં જોડાવા ઇચ્છુક પ્રકૃતિપ્રેમીઓ તથા દાતાઓ મો. નં. 94262 32400 પર સંપર્ક કરી શકે છે.