સતત છઠ્ઠા વર્ષે સૌરાષ્ટ્ર પ્રાંતમાં પ્રથમ ક્રમ મેળવી મોરબીનું ગૌરવ વધાર્યુંમોરબી : ગઈકાલે 6 જુલાઈ ને અષાઢ માસના પ્રથમ દિવસે અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટી ખાતે સંસ્કૃત સાહિત્ય અકાદમી- ગાંધીનગર અને સંસ્કૃત ભારતી ગુજરાતના સહયોગથી સંસ્કૃતોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. અષાઢ માસના પ્રથમ દિવસે ઉજવાતા આ કાર્યક્રમમાં દર વર્ષે વિવિધ પ્રકારના સંસ્કૃત સન્માનો આપવામાં આવે છે. જેમાં સંસ્કૃત ગૌરવ પરીક્ષા દ્વારા બાળકોને સંસ્કૃત ભાષા માટે જાગૃત કરવા અને શીખવા પ્રોત્સાહિત કરવામાં સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાંતમાં મોરબીના સાર્થક વિદ્યામંદિરે વર્ષ 2023 માટે પ્રથમ ક્રમનું સન્માન પ્રાપ્ત કર્યું છે.સાર્થક વિદ્યામંદિર તરફથી આ સન્માન સ્વીકારવા શાળા સહ સંચાલક પ્રમોદસિંહ રાણા, ટ્રસ્ટી પ્રવીણભાઈ રાજાણી તેમજ શાળાના પ્રાથમિક વિભાગના પ્રિન્સિપાલ અને ગૌરવ પરીક્ષા સંયોજક વિવેકભાઈ શુકલ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના સંચાલક કિશોરભાઈએ જણાવ્યું હતું કે શાળા પરિવાર માટે આ ગૌરવની ક્ષણ છે. સતત છઠ્ઠા વર્ષે સૌરાષ્ટ્ર પ્રાંતમાં પ્રથમ ક્રમ મેળવીને સાર્થક વિદ્યામંદિરે મોરબીનું ગૌરવ વધાર્યું છે. આ કાર્યક્રમમાં ભાગ્યેશ જ્હા (અધ્યક્ષ, સંસ્કૃત સાહિત્ય અકાદમી, ગાંધીનગર), ડૉ. નીરજા ગુપ્તા (વાઇસ ચાન્સેલર, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ) ડૉ. સુકાંત કુમાર સેનાપતિ (વાઇસ ચાન્સેલર, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ) વગેરે સંસ્કૃત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.