મોરબી : માળીયા હાઇવે ઉપર કચ્છ તરફથી અબોલ જીવને ક્રૂરતાપૂર્વક બાંધીને કતલખાને લઈ જવામાં આવી રહ્યા હોવાની માહિતીને આધારે મોરબી સહિતના ગૌરક્ષકોની ટીમે માળીયા પોલીસને સાથે રાખી અણીયારી ટોલનાકા નજીક બોલેરો ગાડી અટકાવી ક્રૂરતાપૂર્વક બાંધેલા આઠ પાડાને બચાવી લીધા હતા. આ મામલે પોલીસે કચ્છના બે આરોપીઓને અટકાયતમાં લીધા છે.મોરબી તેમજ લીમડીના ગૌરક્ષકોની ટીમને માહિતી મળી હતી કે એક બોલેરો ગાડીમાં કચ્છ તરફથી અબોલ જીવને ક્રૂરતાપૂર્વક બાંધી કતલખાને ધકેલવામાં આવી રહ્યા છે. આ માહિતીને પગલે ગૌરક્ષકોની ટીમે પોલીસની મદદથી વોચ ગોઠવી અણીયારી ટોલનાકા નજીકથી જીજે - 31 - ટી - 5155 નંબરની બોલેરો અટકાવી ચેક કરતા બોલેરોમાં ક્રૂરતાપૂર્વક બાંધેલા 8 પાડા મળી આવતા માળીયા પોલીસે ગૌરક્ષક પાર્થ મનસુખભાઇ નેસડીયાની ફરિયાદના આધારે આરોપી અનવર ગુલ્લા જત રહે.શેરવા તા.જી.કચ્છ ભુજ અને હૈદર અલીસાબ જત રહે.નાના સરડા, ભગાડીયા કચ્છ વાળાને ઝડપી લઈ દોઢ લાખની કિંમતની બોલેરો ગાડી કબ્જે કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ પશુ ક્રુરતા અધિનિયમ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.