મોરબી : મોરબીમાં વરસાદ પડતાંની સાથે જ ટ્રાફિકની સમસ્યા ઉભી થઈ રહી છે. ગઈકાલે 1 જુલાઈના રોજ વરસાદ બાદ અનેક રોડ-રસ્તાઓ પર ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી હતી. જો કે આ સમસ્યાની વચ્ચે પણ મોરબી પોલીસ અને ટીઆરબીના જવાનોએ પોતાની કાર્ય નિષ્ઠા બજાવી હતી અને વરસતાં વરસાદમાં પણ ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.મોરબીના વીસી ફાટક પાસેનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, ચાલુ વરસાદમાં પોલીસ જવાન ઈશ્વરભાઈ કલોતરા અને ટીઆરબીના જવાનોએ ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. વરસાદ પડતાં રસ્તાઓ પર ટ્રાફિક જામ થતો હોય છે અને વાહનચાલકોને હેરાનગતિ ભોગવવી પડતી હોય છે. ત્યારે વાહનચાલકોને વધુ સમય હેરાન ન થવું પડે તે માટે વરસતાં વરસાદમાં પણ મોરબી પોલીસના જવાન અને ટીઆરબીના જવાનોએ પોતાની કાર્ય નિષ્ઠાથી પલળતાં પલળતાં ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. જેથી લોકોએ પણ પોલીસ અને ટીઆરબી જવાનોની આ કાર્યદક્ષતાને બીરદાવી હતી.