અજાણ્યો શખ્સ ગમે તેના દરવાજા ખખડાવી સ્ત્રીઓ સામે ન સમજાય તેવી ભાષા બોલતો હોય ગ્રામજનોએ માર મારતા મૃત્યુ નીપજ્યુંવાંકાનેર : વાંકાનેર તાલુકાના જામસર ગામે ક્યાંકથી આવી ચડેલ એક અજાણ્યો પરપ્રાંતીય પુરુષ ગમે તેના દરવાજા ખખડાવી ન સમજાય તેવી ભાષા બોલતો હોય ગામના બે વ્યક્તિઓએ આ અજાણ્યા ઇસમને ગામ બહાર ખદેડવા છતાં ન જતો હોય લાકડી અને દોરડા વડે માર મારતા આ વ્યક્તિનું મૃત્યુ નિપજતા હત્યાના આ બનાવમાં ગામના સરપંચે બે વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.24ના રોજ વાંકાનેર તાલુકાના જામસર ગામે લખમણભાઈ રૂપાભાઇના મકાન નજીક ખેતરમાંથી અજાણ્યા પરપ્રાંતીય વ્યક્તિની લાશ મળતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરતાં ચોંકાવનારી હકીકત સામે આવી હતી અને આ યુવાનનું મૃત્યુ માર મારવાથી થયાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલતા ગામના જ બે વ્યક્તિઓ વિરુદ્ધ ગામના સરપંચે ફરિયાદ નોંધાવતા આ અજાણ્યા ઇસમના વાલી વારસોની શોધખોળ શરૂ કરી છે.વધુમાં આ ચોંકાવનારા બનાવમાં જામસર ગામના સરપંચ પથુભાઇ ભનુભાઈ દેલવાડિયાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.24ના રોજ મરણજનાર અજાણ્યો શખ્સ ગામમા ગમે તેના ઘરના દરવાજા ખખડાવતો હોય તેને સમજાવી જતો રહેવા કહેવા છતા પણ ન જતા ગામના પ્રભુભાઈ લાલજીભાઈ દંતેસરિયાએ આ વ્યક્તિને લાકડી વડે તેમજ અશોકભાઈ નથુભાઈ દેલવાડિયાએ દોરડા વડે માર મારતા પરપ્રાંતીય શખ્સનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હાલમાં વાંકાનેર તાલુકા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.