મોરબી જિલ્લા સમૂહ લગ્ન સમિતિ અને ઉમિયા સેવા સમાજ ટ્રસ્ટની પર્યાવરણ બચાવવા પહેલમોરબી : મોરબી જિલ્લા સમૂહ લગ્ન સમિતિ અને ઉમિયા સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા પર્યાવરણ અંગે જાગૃતિ લાવવા ' ચાલો ગાવ કી ઓર પ્રકૃતિ કે સાથ ' અભિયાન મોરબીના બરવાળા ગામથી શરૂ કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લાના 70 જેટલા ગામોમાં 3000 વૃક્ષો વાવી તેનો ઉછેર કરવામાં આવશે. હાલ ગ્લોબલ વોર્મિંગના કારણે ગરમી અકળાવી રહી છે. ત્યારે આ ગરમીનો પારો ઓછો કરવા માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા એ એક માત્ર ઉપાય છે. છેલ્લા 22 વર્ષથી કાર્યરત પાટીદાર સમાજની મોરબી જિલ્લા સમૂહ લગ્ન સમિતિ દ્વારા છેલ્લા 7 વર્ષથી સમૂહ લગ્નમાં જોડાનાર કન્યાઓને કરિયાવરમાં વૃક્ષો આપી તેના જતન કરવાના સોગંદ લેવડવામાં આવે છે.આ કાર્યક્રમ અંતર્ગત આજે બરવાળા ગામમાં જેટલી વસ્તી છે એટલા વૃક્ષો એટલે કે 1000 જેટલા વૃક્ષો રાજકોટ સાંસદ પરષોત્તમભાઇ રૂપાલા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા, જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, વિનુભાઈ રૂપાલા, ડી.એલ. રંગપરીયા, જયંતીભાઈ પટેલ, બગથળા નકલંક ધામના મહંત દામજી ભગત, સંસ્કારધામના શાસ્ત્રી સ્વામી, જગત પ્રકાશ સ્વામી, સરપંચ ભરતભાઈ બાવરવા સહિતની ઉપસ્થિતિમાં વાવવામાં આવ્યા હતા.આ વૃક્ષોનું જતન બરવાળા ગામની મહિલાઓએ કરવાનો નિર્ણય લીધો છે. આ અંગે સમિતિના પ્રમુખ મનુભાઈ કૈલા, કમલેશભાઈ કૈલા અને જયંતીભાઈ વિડજાએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લા સમૂહ લગ્ન સમિતિ દ્વારા 5 વર્ષ પહેલા પણ 10,000 વૃક્ષો વાવવામાં આવ્યા હતા. ત્યારે ફરીથી 3000 વૃક્ષ વાવવાની શરૂઆત કરી છે. આ અભિયાન 20 દિવસ સુધી ચાલશે. અને આ 20 દિવસમાં 15 લાખના ખર્ચે 70 ગામોમાં પાંજરા સાથે 3000 જેટલા વૃક્ષો સમિતિના 152 સ્વયં સેવકોને આપી એ સ્વયં સેવકો ગામ લોકોના સહકારથી ગામની સાર્વજનિક જગ્યાઓમાં વૃક્ષો વાવશે અને તેનો ઉછેર કરશે.